શ્રીલંકા અને ભારત વચ્ચેની હાલની ટી-20 સીરીઝમાં કામિન્દુ મેન્ડિસે પહેલી મેચમાં બન્ને હાથે બોલિંગ કરી દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
શ્રીલંકાની 10મી ઓવરમાં કામિન્દુ મેન્ડિસે બંને હાથે બોલિંગ કરી હતી. તેણે સૂર્યકુમાર યાદવ સામે ડાબા હાથે અને ઋષભ પંત સામે જમણા હાથે બોલિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. બંને હાથે બોલિંગ કરતાં કામિન્દુ મેન્ડિસે એક ઓવરમાં 9 રન આપ્યા હતા.
ક્રિકેટમાં અત્યાર સુધીમાં 3 ખેલાડીઓ બંને હાથે બોલિંગ કરી ચૂક્યા છે. પહેલું નામ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ગ્રેહામ ગૂચનું છે. ગ્રેહામ ગૂચ જમણા હાથથી બોલિંગ કરતો અને ક્યારેક ડાબા હાથે પણ બોલિંગ કરતો હતો. એવા બીજા બોલર પાકિસ્તાનના હનીફ મોહમ્મદ અને ત્રીજા ખેલાડી શ્રીલંકાનો જ હસન તિલકરત્ને રહ્યો છે. હવે આ યાદીમાં શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસનું નામ ચોથા ક્રમે આવે છે.
ભારત પાસે અત્યાર સુધી તો આવો કોઈ બોલર નહોતો પણ હવે એક ઉભરતો ખેલાડી બંને હાથે બોલિંગ કરી શકતો હોવાનું જોવા મળ્યું છે. હાલમાં અંડર-16માં રમી રહેલો મધ્ય પ્રદેશનો સોહમ પટવર્ધન બંને હાથે બોલિંગ કરે છે.