અમેરિકાના પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં જો બાઈડેનના ખસી જવાથી એક નવા જ જોમ, જુસ્સાનો સંચાર થયો છે અને બાઈડેન સ્પર્ધામાં હતા ત્યાં સુધી તો એક તબક્કે એવું લાગતું હતું કે, ટ્રમ્પનો વિજય નિશ્ચિત છે. પણ લગભગ બે સપ્તાહ પહેલા બાઈડેને ખસી જવાની જાહેરાત કરી અને કમલા હેરિસને પ્રેસિડેન્ટપદ માટે સમર્થન જાહેર કર્યું એ પછી હાલમાં વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ તેમના રીપબ્લિકન હરીફ ટ્રમ્પ માટે એક ખૂબજ મજબૂત પડકારરૂપે ઉભરી રહ્યા હોય તેવો માહોલ જામ્યો છે.
બાઈડેને તેમની સામે ડીબેટ માટે આનાકારી કરી, પછી સંમત થયા અને પછી મંચ બદલવાની માંગણી કરી, કમલા હેરિસ ઈન્ડિયન છે કે બ્લેક તેવા સવાલો કર્યા વગેરેના કારણે ટ્રમ્પની છાવણીમાં ફફડાટ વ્યાપી ગયાના સંકેતો મળી રહ્યા છે.
કમલા હેરિસને ગયા સપ્તાહે ડેમોક્રેટિક પાર્ટીમાં પ્રેસિડેન્ટપદ માટે બિનહરીફ નોમિનેશન મળ્યું, 24 કલાકથી લઈને એક સપ્તાહ અને એકંદરે જુલાઈ મહિનામાં કમલા હેરિસના કેમ્પેઈને ચૂંટણી ફંડ એકત્ર કરવામાં જે જબરજસ્ત રેકોર્ડ કર્યા તેનાથી તેમની તરફેણમાં ઘણો મજબૂત માહોલ જામી રહ્યો છે. તાજા અહેવાલ મુજબ કમલા હેરિસના કેમ્પેઈને જુલાઈ મહિનામાં $310 મિલિયનનું ફંડ એકત્ર કર્યું હતું,
તેની તુલનાએ ટ્રમ્પ કેમ્પેઈન ફક્ત $138.7 મિલિયન એકત્ર કરી શક્યો હતો. ખાસ કરીને ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયા પછી પણ કમલા હેરિસ કેમ્પેઈનની આ સફળતા ખાસ નોંધપાત્ર છે.
તીવ્ર સ્પર્ધા થવાની અપેક્ષા છે તેવા રાજ્યો, જે અમેરિકામાં બેટલગ્રાઉન્ડ સ્ટેટ્સ તરીકે ઓળખાય છે, ત્યાં પણ હવે કમલા હેરિસ ટ્રમ્પને હંફાવશે એવું તો નિશ્ચિત જ લાગે છે, હરાવી જાય તો પણ નવાઈ નહીં.
બન્ને ઉમેદવારોને સમર્થનના ઓનલાઈન પોલ્સમાં પણ બાઈડેન સ્પર્ધામાં હતા ત્યાં સુધી તે ટ્રમ્પ આગળ રહેતા હતા.
બન્ને વચ્ચેનો તફાવત મોટો રહેતો હતો, હવે કમલા હેરિસ આ પોલ્સમાં ટ્રમ્પની ખૂબજ નજીક હોવાનું જણાય છે. પોતાની સતત વધી રહેલી લોકપ્રિયતાથી ઉત્સાહિત કમલા હેરિસના કેમ્પેઈન દ્વારા રીપબ્લિકન્સ ફોર હેરિસના વિષય ઉપર એક ખાસ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. રીપબ્લિકન પાર્ટીમાં પણ ટ્રમ્પની નીતિરીતિથી નારાજ કેટલાક નેતાઓનું તો કમલા હેરિસને સમર્થન મળી જ ચૂક્યું હતું.
આ નવા કાર્યક્રમને 25 રીપબ્લિકન નેતાઓનું તો અગાઉથી જ સમર્થન છે, જેમાં ભૂતપૂર્વ પ્રધાન ચક હેજલ અને રેય લેહુડ, ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી રહેલા સ્ટેફની ગ્રિશામ અને ઓલિવિયા ટ્રોય, ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક પેન્સ સામેલ છે.
આ કેમ્પેઈન દ્વારા રીપબ્લિકન મતદારોને પણ હેરિસની તરફેણમાં આકર્ષવા પ્રયાસો કરાશે.
કમલા હેરિસે એબીસી ચેનલ ઉપર ડીબેટ નક્કી થયા પછી પહેલા ટ્રમ્પની આનાકાની અને પછી તે બદલીને ફોક્સ ટીવી ઉપર લઈ જવાની ટ્રમ્પની માંગણી ફગાવી દેતાં કહ્યું હતું કે આ ટ્રમ્પનો ફફડાટ બોલે છે.
આવા બધા પરિબળો ઉપરાંત આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક જેવી ટેકનોલોજીનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરીને મતદારોને ભ્રમમાં નાખવાના પ્રયાસો પણ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યા હોવા અંગે ચિંતા દર્શાવાઈ રહી છે.