ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ પદની આગામી ચૂંટણીના કેમ્પેઇનમાં ટેક્સ અને આરોગ્યલક્ષી યોજનાઓને મહત્ત્વ આપી રહ્યા છે. તેઓ હરિફ કમલા હેરિસ સામે વ્યક્તિગત પ્રહારોને બદલે નીતિગત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. લાસ વેગાસમાં એક મેક્સિકન રેસ્ટોરાંમાં રીપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પે વેઇટર્સ અને અન્ય સર્વિસ કર્મચારીઓને ટીપ્સ પરનો ટેક્સ દૂર કરવાની તેમની યોજના અંગે વાત કરી હતી. ડેમોક્રેટ ઉમેદવાર અનેક કારણોસર મીડિયામાં છવાયેલા રહ્યા કરે છે, તો ટ્રમ્પ મીડિયાનું ધ્યાન બીજી તરફ વાળવા હવાતિયા મારતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ફંડ એકત્ર કરવામાં, પોલ્સમાં કમલા હેરિસ ટ્રમ્પને લગભગ મહાત કરી ચૂકયા છે ત્યારે ટ્રમ્પ તેમના હરીફ ઉપર ફાલતુ વ્યક્તિગત મુદ્દાઓ સાથે પ્રહારો કરી પોતાના વિષેની લોકમાનસમાં ખરડાયેલી માન્યતાને વધુ ખરાબ કરી રહ્યા જણાય છે.
તેમણે નેવાડામાં હિસ્પેનિક મતદારોને આકર્ષવા માટે તેમના કેમ્પેઇનના પ્રયાસોની ચર્ચા કરી હતી, જે રાજકીય મહત્ત્વ ધરાવતું એક એવું રાજ્ય છે જે 5 નવેમ્બરની ચૂંટણી અને દેશવ્યાપી માહોલ નક્કી કરવામાં મદદ કરી શકે છે.
ટેક્સનો પ્રસ્તાવ ટ્રમ્પના આર્થિક મુદ્દાનો આધારસ્તંભ છે, તે એક એવો મુદ્દો છે જેના પર તેના સલાહકારો ટ્રમ્પને ધ્યાન કેન્દ્રિત કરવા દબાણ કરી રહ્યા છે. આ સલાહકારો ટ્રમ્પને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના દેખાવ, અશ્વેત, ભારતીય વંશ અને બુદ્ધિ અંગેના વ્યક્તિગત પ્રહારો કરવાને બદલે ચેતવણી આપે છે કે, એવા પ્રહારોથી ઉદારમતવાદી મતદારો તેમનાથી દૂર થઇ શકે છે.
ટ્રમ્પે મીડિયાને કમલા હેરિસને બદલે પોતાની તરફ આકર્ષીત કરવા માટે ચાર દિવસના કન્વેન્શન દરમિયાન દેશભરમાં પોતાના કાર્યક્રમો સાથે કાઉન્ટર પ્રોગ્રામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વિદેશ નીતિ, અર્થવ્યવસ્થા અને ગુનાખોરી પર તેમણે આપેલા નિવેદનોથી કમલા હેરિસ તરફથી મીડિયાનું ધ્યાન બીજે વાળવામાં બહુ સફળતા મળી નહોતી. તેઓ મીડિયાને પોતાની તરફ ખાસ આકર્ષી શક્યા નહોતા. હંમેશા સમાચારોમાં છવાયેલા રહેતા એક રાજકારણી માટે આ એક આશ્ચર્યજનક ફેરફાર હતો.
રીપબ્લિકન નેતાગીરી અને તેમના સહયોગીઓને આશા છે કે, ગુરુવારના ઉત્સાહવર્ધક કન્વેન્શનનો સમાપન સમારંભ કમલા હેરિસના અનુકુળ સમયના અંતનું પ્રતીક છે, જો બાઇડેને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લઇને હેરિસને સમર્થન જાહેર કર્યું તે પછી હેરિસ એક મહિના કરતાં પણ ઓછા સમયમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા હતા.
શિકાગોમાં કમલા હેરિસના સ્વીકૃતિ પ્રવચન દરમિયાન ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર અનેક પોસ્ટ્સ સાથે તેમના પર પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે તેમને જૂઠ્ઠા, માર્ક્સવાદી અને “કોમરેડ કમલા હેરિસ” કહ્યા હતા. એક પોસ્ટમાં તેમણે પૂછ્યૂ હતું કે, “શું, તે મારા અંગે વાત કરી રહી છે?”
આ રાજકીય સ્થિતિમાં ડ્રેક્સેલ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર વિલિયમ રોસનબર્ગે જણાવ્યું હતું કે, “કમલા હેરિસ પર ટ્રમ્પના અંગત પ્રહારો એક દ્વિવંશી મહિલાનો સામનો કરવો પડતો હોવાની તેમની નિરાશા ઉજાગર કરે છે, જે વંશવાદી ટીપ્પણીઓના તેમના ઇતિહાસના કારણે એક વિકટ કાર્ય છે. તેમનો ગુસ્સો અને તેમના શબ્દો ઘણું બધું કહે છે. તે એક એવા માર્ગ પર આગળ વધી રહ્યા છે જે તેમના માટે મુશ્કેલીઓથી ભરેલો છે.”
કમલા હેરિસ પ્રેસિડેન્ટ પદનાં ઉમેદવાર જાહેર થયાની સાથે જ સ્પર્ધામાં આગળ છે, એક વેબસાઇટના જણાવ્યા મુજબ હેરિસ મહત્ત્વના સાતમાંથી છ રાજ્યોમાં ટ્રમ્પ કરતાં આગળ છે. હેરિસના કેમ્પેઇને તાજેતરમાં ફેડરલ ઇલેક્શન કમિશનને જણાવ્યું હતું કે, તેમણે ગત મહિને $204 મિલિયન એકત્ર કર્યા હતા, જ્યારે ટ્રમ્પના સમર્થકોએ $48 મિલિયન એકત્ર કરાયાનું કમિશનને જણાવ્યું હતું.
ટ્રમ્પના કેમ્પેઇન પ્રવક્તા કેરોલિન લીવિટ્ટે વધુ વિગતો આપ્યા વગર જણાવ્યું હતું કે, તેઓ બે કાર્યક્રમ વચ્ચે ઓછામાં ઓછું વધારાનું એક કેમ્પેઇન કરશે.
લીવિટ્ટે ટ્રમ્પના અંગત પ્રહારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા બદલ મીડિયાને દોષિત ઠેરવ્યું છે, તે અંગે તેમણે કહ્યું હતું કે, તે તેમની અન્ય નીતિ-મોટી સભાઓ અને પ્રવચનોનો એક અંશ છે. ગત બુધવારે નોર્થ કેરોલિનાના એશબોરો ખાતે એક સંબોધન દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, તેમણે નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેમના સલાહકારોની ભલામણો ફગાવી દઈ કમલા હેરિસ અને અન્ય ડેમોક્રેટ્સનું વ્યક્તિગત રીતે અપમાન કર્યું હતું.
તેમણે ગત શુક્રવારે એરિઝોનાની સભામાં સલાહકારો સાથેની એ ચર્ચાઓનો ફરીથી ઉલ્લેખ કર્યો હતો.
ટ્રમ્પના બહારના સલાહકારે નામ ન આપવાની શરતે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, ઘણા સલાહકારોએ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટને કહ્યું હતું કે, નીતિને બદલે અપમાન પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાથી નવેમ્બરમાં તેમની જીતવાની તકો ઘણી ઓછી થઈ શકે છે.
રીપબ્લિકન વ્યૂહરચનાકાર ડગ હેયે જણાવ્યું હતું કે, ટ્રમ્પ હજુ પણ ચૂંટણીમાં જીતી શકે છે, જે અંગે તેમણે અનુમાન કર્યું હતું કે, આ ગળાકાપ સ્પર્ધા હશે, પરંતુ તે કરવા માટે તેમણે મોંઘવારી, ગેરકાયદે ઇમિગ્રેશન તથા અન્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે અંગે સર્વે દર્શાવે છે કે ઘણા મતદારો તેને વધારે મહત્ત્વ આપે છે.

LEAVE A REPLY