અમેરિકામાં મંગળવારની રાત્રે પ્રમુખપદની ચૂંટણીના બે ઉમેદવારો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફિલાડેલ્ફિયાના નેશનલ કોન્સ્ટિટ્યુશન સેન્ટરમાં યોજાયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કમલા હેરિસ છવાયા હતા. વિદેશ નીતિ, અર્થતંત્ર અને ગર્ભપાત, યુક્રેન યુદ્ધ, રશિયા વગેરે મુદ્દે બંનેએ એકબીજાને પડકાર ફેંક્યો હતો અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. કમલાએ રિપબ્લિકન ઉમેદવાર સાથે અગાઉ પ્રેસિડન્ટ જો બાઇડને કરેલા ધબકડાની યાદને ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ, સીએનએન, વોશિંગ્ટન પોસ્ટ અને બીબીસીએ કરેલા સરવેમાં આ ડિબેટમાં કમલા હેરિસને વિજેતા જાહેર કરાયા હતાં.
આશરે 90 મિનિટની ડિબેટનો પ્રારંભ એકબીજા સાથે હાથ મિલાવીનો થઈ હતો, પરંતુ બાદમાં એકબીજા પર આકરા પ્રહાર કર્યા હતાં અને છેલ્લે એકબીજા સાથે હાથ મિલાવ્યા વગર છૂટા પડ્યાં હતાં.
નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણી માટે અગાઉ 27 જૂને ટ્રમ્પ અને બાઈડન વચ્ચે પ્રથમ પ્રેસિડેંશિયલ ડિબેટ થઈ હતી અને બાઈડન હારી ગયા હતાં. આ પછી તેમણે ઉમેદવારી છોડી દીધી હતી. આ પછી ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસને પોતાના ઉમેદવાર બનાવ્યા હતાં.
ઇઝરાયેલ મુદ્દે ટ્રમ્પે જણાવ્યું હતું કે જો કમલા પ્રેસિડન્ટ બનશે તો ઈઝરાયલ બે વર્ષમાં બરબાદ થઈ જશે. આનો જવાબ આપતા હેરિસે જણાવ્યું હતું કે જો તમે પ્રેસિડન્ટ હોત તો રશિયાના પ્રેસિડન્ટ પુતિન કિવમાં બેઠા હોત.
અમેરિકામાં સૌથી મોટા ગણાતા ઇમિગ્રેશનના મુદ્દે કમલા હેરિસે જણાવ્યું હતું કે ઈમિગ્રેશન સંબંધિત સમસ્યાઓ માટે ટ્રમ્પ જવાબદાર છે. તેમની પાર્ટીએ આને લગતા બિલને રોકવાનો પ્રયાસ કર્યો. ટ્રમ્પે તેમના લોકોને બોલાવ્યા અને તેમને આમ કરવા કહ્યું. કારણ કે તેઓ નથી ઈચ્છતા કે સમસ્યાનો અંત આવે.બીજી તરફ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇમિગ્રન્ટ્સ બિલાડીઓ અને પાલતુ પ્રાણીઓ ખાય છે. આપણા દેશમાં દરરોજ હજારો ગુનેગારો આવી રહ્યા છે. તેઓ કૂતરા ખાય છે, તેઓ લોકોના પાળતુ પ્રાણી ખાઈ જાય છે. અહીં મોડરેટરે ટ્રમ્પને અટકાવતા કહ્યું હતું કે આના કોઈ પુરાવા મળ્યા નથી.
ઇમિગ્રેશનના મુદ્દે કમલા હેરિસે જણાવ્યું હતું કે જો ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવશે તો તેઓ નેશનલ એબોર્શન બાન બિલ પર હસ્તાક્ષર કરશે.એક રાષ્ટ્રીય ગર્ભપાત મોનિટર હશે જે તમારી ગર્ભાવસ્થા, તમારા કસુવાવડનું નિરીક્ષણ કરશે. મને લાગે છે કે અમેરિકન લોકો માને છે કે અમુક સ્વતંત્રતાઓ, ખાસ કરીને, પોતાના શરીર વિશે નિર્ણય લેવાની સ્વતંત્રતા, સરકાર દ્વારા લેવી જોઈએ નહીં.
આનો ટ્રમ્પે જવાબ આપ્યો કે ગર્ભપાત નીતિ રાજ્યો દ્વારા નક્કી થવી જોઈએ.હું પ્રતિબંધ પર હસ્તાક્ષર કરી રહ્યો નથી અને પ્રતિબંધ પર હસ્તાક્ષર કરવાનું કોઈ કારણ નથી. ડેમોક્રેટ્સ, રિપબ્લિકન અને બીજા બધા અને દરેક કાનૂની વિદ્વાનો આ મુદ્દો રાજ્યો પર છોડવા માંગે છે અને રાજ્યો મતદાન કરી રહ્યાં છે. આ મુદ્દાએ 52 વર્ષથી દેશને વિભાજિત કર્યો છે. અમેરિકાના તમામ રાજ્યો હવે ગર્ભપાત અંગે પોતપોતાના નિર્ણયો લઈ રહ્યા છે. મને ગર્ભપાત બિલ પર વીટોની જરૂર નથી કારણ કે કમલા હેરિસ ક્યારેય ચૂંટણી જીતવાના નથી. કમલાને પૂછવું જોઈએ કે શું તે ગર્ભાવસ્થાના 7મા, 8મા અને 9મા મહિનામાં ગર્ભપાતને મંજૂરી આપશે કે કેમ.
ગાઝા મુદ્દે કમલા હેરિસે જણાવ્યું હતું કે ત્રાસવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. તેઓએ 1200થી વધુ નિર્દોષ ઇઝરાયલીઓને મારી નાખ્યા હતાં. અનેક મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો. ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પરંતુ એ પણ સાચું છે કે આ યુદ્ધ ઘણા લાંબા સમયથી ચાલ્યું છે. યુદ્ધ હવે બંધ થવું જોઈએ. અમને યુદ્ધવિરામ કરારની જરૂર છે જે બંધકોને મુક્ત કરવાની મંજૂરી આપે. ટુ સ્ટેટ થિયરી ઇઝરાયલ-પેલેસ્ટાઇન સમસ્યાનો ઉકેલ છે. પેલેસ્ટાઈનના લોકોને પણ આમાં રસ છે. આપણે ગાઝાને ફરીથી વસાવવું જોઈએ. પેલેસ્ટિનિયનોને સુરક્ષા આપવી પડશે.આ મુદ્દે શેખી મારતા ટ્રમ્પે જણાવ્યું હતું કે જો હું અમેરિકાનો પ્રેસિડન્ટ હોત તો આ યુદ્ધ ક્યારેય શરૂ ન થાત. કમલા ઇઝરાયલવાસીઓને નફરત કરે છે. જ્યારે નેતન્યાહુ યુએસ કોંગ્રેસને સંબોધિત કરવા આવ્યા ત્યારે કમલા તેમને મળ્યા પણ નહોતા કારણ કે તેઓ પાર્ટી કરી રહ્યા હતાં. કમલા મધ્ય પૂર્વના લોકોને પણ નફરત કરે છે. હું આધુનિક ઇતિહાસમાં સૌથી વધુ ઇઝરાયલ સમર્થક પ્રેસિડન્ટ છું.