(Photo by Andrew Harnik/Getty Images)
અમેરિકામાં પ્રેસિડેન્ટ પદની આગામી ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જાહેર થયા પછી ઇન્ડિયન અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે તાજેતરમાં એક મીડિયા હાઉસને પ્રથમવાર મહત્ત્વનો ઇન્ટર્વ્યૂ આપ્યો હતો, જેમાં દેશમાં ચર્ચા થઇ રહી હોય તેવી અનેક બાબતોની તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમણે આ ઇન્ટર્વ્યૂમાં માઇગ્રેશન માટે કડક વલણની ઇચ્છા દર્શાવી હતી અને અમેરિકાની સરહદે કાયદા લાગુ કરવાની જરૂરત પર ભાર મૂક્યો હતો.
વાઇસ પ્રેસિડેન્ટપદના ડેમોક્રેટિક ઉમેદવાર ટીમ વાલ્ઝ સાથે સીએનએનને આપેલા ઇન્ટર્વ્યૂમાં હેરિસે ભારપૂર્વક જણાવ્યું હતું કે “આપણી પાસે એવા કાયદા છે જેનું પાલન થવું જોઇએ અને તેને લાગુ કરવા જોઈએ.” તેમણે વધુમાં જણાવ્યું કે ગેરકાયદે સરહદ પાર કરનારાઓને પણ સજા થવી જોઈએ. તેમણે સરહદી કાયદામાં વ્યાપક ફેરફાર માટે પ્રયાસો કરવાનો સંકલ્પ લીધો હતો.
હેરિસે પોતે પ્રેસિડેન્ટપદે ચૂંટાશે તો તેમની કેબિનેટમાં રીપબ્લિકન્સનો સમાવેશ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું માનું છું કે કેટલાક સૌથી મહત્વના નિર્ણયો લેવાતા હોય ત્યારે જુદા જુદા અભિપ્રાયો અને અલગ-અલગ અનુભવો ધરાવતા લોકો ટેબલ પર સાથે હોય તે મહત્ત્વનું છે.” આ પગલું એડમિનિસ્ટ્રેશનમાં વિવિધ દૃષ્ટિકોણ પર તેમનું મહત્ત્વ ઉજાગર કરે છે.
ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તેમની અશ્વેત અમેરિકન તરીકેની ઓળખ સામે પ્રશ્ન ઉઠાવતી ટીપ્પણી વિશે પૂછાયું, ત્યારે હેરિસે તેમને “એ જ જૂની-પુરાણી વાર્તા” કહીને તે મુદ્દાને ફગાવીને આગળનો સવાલ પૂછવા જણાવ્યું હતું.
ફુગાવો-મોંઘવારી નાથવામાં પોતાની અને પ્રેસિડેન્ટ બાઇડેનની નીતિનો બચાવ કરતાં હેરિસે તેમને અગાઉના એડિમિનિસ્ટ્રેશન પાસેથી વારસામાં મળેલા પડકારોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, “અમારા હાથમાં મહામારી અને ગેરવહીવટ દ્વારા પાયમાલ થયેલું અર્થતંત્ર આવ્યું હતું.” તેમણે સ્વીકાર્યું કે “મોંઘવારી હજુ પણ ખૂબ જ વધુ છે” પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તે ઘટાડવામાં પ્રગતિ થઇ છે.
ઇઝરાયેલ-ગાઝા વચ્ચેના ઘર્ષણ મુદ્દે હેરિસે પ્રેસિડેન્ટ બાઇડેનની નીતિ મુજબ ઇઝરાયેલને પોતાના મજબૂત સમર્થનનો પુનર્રોચ્ચાર કર્યો હતો. આમ છતાં તેમની પાર્ટીની અંદર પેલેસ્ટાઇનના લોકોના વધુ મોતની સંખ્યાના કારણે અમેરિકન મિલિટરીની મદદ અંગે ફરીથી વિચાર કરવા માટે અનુરોધ કરાયો હતો. હેરિસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણે યુદ્ધવિરામમાં સફળતા મેળવવા માટે એક સમજૂતી કરવી પડશે”, પરંતુ સાથોસાથ એમ પણ કહ્યું કે, અમેરિકાએ ઇઝરાયેલને સંરક્ષણ મદદ કરવાનું જાળવી રાખવું જોઇએ.
દેશના-ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ પર પોતાના વલણને ધ્યાનમાં રાખીને હેરિસે તેમની 2020ની પ્રેસિડેન્ટપદની ચૂંટણી પછી તેમણે વધુ મધ્યમાર્ગીય નીતિ અપનાવી છે. હવે તેઓ ફ્રેકિંગના સમર્થનમાં નથી, જે પેન્સિલવેનિયા જેવા રાજ્યોમાં એક મહત્વનો મુદ્દો છે અને તેમણે સરહદ સુરક્ષા મુદ્દે વધુ આકરું વલણ અપનાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, “મારા મૂલ્યો બદલાયા નથી.”
ઓસ્ટિનની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ઇતિહાસ અને જાહેર બાબતોના પ્રોફેસર જેરેમી સુરીએ જણાવ્યું હતું કે ઇન્ટરવ્યૂમાં હેરિસ જ્ઞાની અને “સહમતી ઊભી કરનાર” નેતા તરીકે ઉભરી આવ્યા હતા પરંતુ પ્રેસિડેન્ટ તરીકેના પ્રથમ દિવસે તેઓ શું કરશે તેના પર ત્યારે “વધુ નક્કર અને સ્પષ્ટ જવાબ” આપી શક્યા હોત.

LEAVE A REPLY