Canada, December 16, 2024. REUTERS/Patrick Doyle
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આખરે સોમવારે (6 જાન્યુઆરી) રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકાઓ અને પક્ષના સાંસદોનું પણ વ્યાપક રીતે સમર્થન ગુમાવ્યા પછી લીધો હતો. ટ્રુડોએ રાષ્ટ્રને સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી.
  જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતાપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 53 વર્ષના ટ્રુડોએ સોમવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “પાર્ટી નવા નેતાની પસંદગી કરે પછી હું પાર્ટીના નેતા અને વડાપ્રધાન તરીકે રાજીનામું આપવા માંગુ છું.” નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો રખેવાળ વડાપ્રધાન તરીકે કાર્યરત રહેશે.
ટ્રુડોની લોકપ્રિયતાનો ગ્રાફ છેલ્લા કેટલાક સમયથી સતત ઘટી રહ્યો હતો. કેનેડામાં ખાદ્ય પદાર્થો અને આવાસના ભાવોમાં વધારો તેમજ ઇમિગ્રેશનમાં તીવ્ર વધારો તેમની સરકાર માટે મોટો પડકાર બન્યા હતા.
આગામી ચૂંટણી ઓક્ટોબરમાં યોજાવાની સંભાવના છે, તેમાં વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટી મજબૂત સ્થિતિમાં હોવાના વરતારા છે. ટ્રુડોના રાજીનામાથી લિબરલ પાર્ટી સમક્ષ નવા નેતાની પસંદગી અને આગામી ચૂંટણીની તૈયારીનો પડકાર ઊભો થયો છે.
જસ્ટિન ટ્રુડોએ 11 વર્ષ લિબરલ પાર્ટીનું નેતાપદ અને નવ વર્ષ વડાપ્રધાનપદ સંભાળ્યું હતું. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓથી લઈને મુખ્ય સહાયકોના રાજીનામા અને ઓપિનિયન પોલ સુધી તે સંખ્યાબંધ કટોકટીનો સામનો કરી રહ્યા હતા. જસ્ટિન ટ્રુડોએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, “આ દેશ આગામી ચૂંટણીમાં વાસ્તવિક પસંદગીને પાત્ર છે, અને મારા માટે તે સ્પષ્ટ થઈ ગયું છે કે મારે આંતરિક લડાઈ લડવી પડે, તો હું તે ચૂંટણીમાં શ્રેષ્ઠ પસંદગી બની શકતો નથી.”

LEAVE A REPLY