કોલકાતાની મેડિકલ કૉલેજમાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં લગભગ એક અઠવાડિયાની હડતાળ પછી ગુજરાતના જુનિયર ડૉક્ટરોએ સ્ટાઈપેન્ડમાં 40% વધારાની માગણી સાથે સોમવાર, 2 સપ્ટેમ્બરથી હડતાળની જાહેરાત કરી હતી.
હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ઉપરાછાપરી હડતાલથી સેંકડો ઓપીડી અને સર્જરીને અસર થવાની ધારણા છે. ગુજરાતમાં ડોકટરોને રૂ.1 લાખથી રૂ.1.3 લાખ સુધીનું સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
જુનિયર ડોક્ટર્સ એસોસિએશન (JDA)ના સભ્યોએ જણાવ્યું હતું કે એક મહિનાની રજૂઆત પછી સરકારે સ્ટાઈપેન્ડમાં માત્ર 20%નો વધારો કર્યો છે, તેથી હડતાળની જાહેરાત કરાઈ છે. ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોની ડિમાન્ડ છે કે, વર્ષ 2009થી સ્ટાઇપેન્ડમાં 40 ટકા વધારો મળતો હતો તેની જગ્યાએ હવે 20 ટકા જ વધારો આપવામાં આવ્યો છે જે અપૂરતો છે. આ ઉપરાંત સ્ટાઈપેન્ડમાં હવે વધારો 3 વર્ષની જગ્યાએ 5 વર્ષે થશે. ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરો આ કારણથી તેનો વિરોધ કરી રહ્યા છે. સોમવારે ઈમરજન્સી સેવા ચાલુ રહેશે પરંતુ બાકીની સેવાઓને અસર થશે.
જુનિયર્સ ડોક્ટર્સ એસોસિયેશને જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી. બી.જે. મેડીકલના 1200થી વધુ ડોક્ટરો તથા ગુજરાતના 3500થી વધુ રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર રહેશે. આખા રાજ્યના કુલ 3 હજારથી વધુ ઇન્ટર્ન ડોકટર પણ હડતાળ પર રહેશે.