જોન અબ્રાહમની ધ ડિપ્લોમેટ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. જેમાં ભારતીય કૂટનીતિ, માનવતા અને સાહસિક મિશનની રોમાંચક વાર્તા છે. આ જોન અબ્રાહમની અત્યાર સુધીની સૌથી અલગ અને ગંભીર ભૂમિકા ધરાવતી ફિલ્મ છે.
શિવમ નાયર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં દિયા ખતીબ, જગજીત સંધુ, કુમુદ મિશ્રા અને શારીબ હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે. શિવમ નાયરે આ ફિલ્મ અગાઉ ‘શબાના’ અને ‘સ્પેશિયલ ઓપ્સ’ જેવી થ્રીલર ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. જ્યારે કહાની, પટકથા અને સંવાદો રિતેશ શાહે લખ્યા છે. આ ફિલ્મની કહાની માત્ર એક ભારતીય મહિલાના સંઘર્ષનું ઉદાહરણ નથી આપતી, પરંતુ એ પણ સાબિત કરે છે કે જ્યારે ભારતના સાર્વભૌમત્વ અને તેના નાગરિકોની સુરક્ષાની વાત આવે છે, ત્યારે દેશના રાજદ્વારીઓ પોતાના જીવના જોખમે પણ તેમનું રક્ષણ કરવા તૈયાર હોય છે.
આ ફિલ્મમાં ભારતીય રાજદ્વારી જે.પી. સિંહ (જોન અબ્રાહમ)ની વાર્તા દર્શાવવામાં આવી છે. જ્યારે ઉઝમા અહેમદ (સાદિયા ખતીબ) નામની એક ભારતીય મહિલા ઇસ્લામાબાદ ખાતેની ઇન્ડિયન ભારતીય એમ્બેસીમાં મદદ માગે છે ત્યારે તેમનું જીવન બદલાઈ જાય છે. ઉઝમાનો દાવો છે કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાની નાગરિક તાહિર અલી (જગજીત સંધુ) સાથે બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા હતા. આ પડકારજનક પરિસ્થિતિમાં, જે.પી. સિંહની જવાબદારી કાયદા, આંતરરાષ્ટ્રીય રાજદ્વારી અને બંને દેશોની સરકારોના દબાણ વચ્ચે સંતુલન જાળવીને ઉઝમાને સુરક્ષિત રીતે ભારત લાવવાની છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 25 મે, 2017 ના રોજ, ઉઝમા વાઘા બોર્ડર થઈને ભારત પરત ગયા હતા ત્યારે ભાજપના સુષ્મા સ્વરાજે તેમનું સ્વાગત કર્યું હતું, તેમને ‘ભારત કી બેટી’ કહીને બોલાવ્યા અને તેમની બહાદુરીની પ્રશંસા કરી હતી.
