જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી 5 વિકેટ ઝડપી હતી. બુમરાહે સોમવારે પણ પોતાની વેધક બોલિંગથી ઓસ્ટ્રેલિયન બેટર્સની લગામ બરાબર પકડી રાખી હતી. આ સાથે જ બુમરાહે 5 વિકેટનો એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
બુમરાહ હવે સેના (SENA) દેશો (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં ભારત માટે સૌથી વધુ વખત પાંચ વિકેટ લેનાર બોલરો બની ગયો છે. બુમરાહે સોમવારે (16 ડિસેમ્બર) કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો. આઠમી વખત સેના દેશોમાં 5 વિકેટ લેવાનો રેકોર્ડ હવે બુમરાહના નામે નોંધાયો છે. કપિલ દેવ તેની ટેસ્ટ કારકિર્દીમાં સેના દેશોમાં 7 વખત પાંચ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. ઝહીર ખાને તેની ટેસ્ટ કારકિર્દીમાં 6 વખત આવી સિદ્ધિ હાંસલ કરી હતી.
સેના દેશોમાં ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોનો 5 વિકેટ લીધાનો રેકોર્ડ
જસપ્રીત બુમરાહ – 8 વખત
કપિલ દેવ – 7 વખત
ઝહીર ખાન – 6 વખત
ભગવત ચંદ્રશેખર – 6 વખત
એકંદરે ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહએ 12મી વાર 5 વિકેટ લીધી હતી અને ભારત બહાર ટેસ્ટમાં 10મી વખત 5 વિકેટ લેવામાં તે સફળ રહ્યો છે. આ રીતે, બુમરાહ અનિલ કુંબલેની બરાબરીમાં આવી ગયો છે. કુંબલેએ વિદેશી ધરતી પર ટેસ્ટમાં 10 વખત 5 વિકેટ લીધી હતી.