15 રેસિડેન્શીયલ અને ત્રણ કોમર્શિયલ પ્રોપર્ટીના પોર્ટફોલિયો સાથે ઇલફર્ડ સાઉથના લેબર સાંસદ જસ અટવાલ હાઉસ ઓફ કોમન્સમાં બિરાજતા સાંસદો – લેન્ડલોર્ડની યાદીમાં ટોચના સ્થાને આવ્યા છે. આ પ્રોપર્ટી તેમના પરિવારના સભ્યો સાથે સહ-માલિકીની છે.
અટવાલનો ઉદય 2022 માં થયો હતો અને તેમણે પૂર્વ લેબર નેતા જેરેમી કોર્બીનના સમર્થક લેબર સાંસદ સેમ ટેરીને પસંદગીની હરીફાઈમાં હટાવ્યા હતા. કોમન્સમાં ટોચના પાંચ મકાનમાલિકોમાંથી, ત્રણ હવે લેબર સાંસદો છે.
હાઉસિંગ રિફોર્મના હિમાયતી ધ રેન્ટર્સ રિફોર્મને ડર છે કે મિલકત માલિકી ધરાવતા સાંસદોની વધતી સંખ્યા ભાડા સુધારાને અમલમાં મૂકવાના પ્રયત્નોને અવરોધી શકે છે.
અગાઉની ટોરી સરકારના લેવલીંગ અપ સેક્રેટરી માઈકલ ગોવે ભાડાના બજારમાં નોંધપાત્ર ફેરફારોની દરખાસ્ત કરી હતી, જેમાં “નો-ફોલ્ટ” એવિક્શન પરના પ્રતિબંધનો સમાવેશ થાય છે. જેમાં મકાનમાલિક કોઈ કારણ આપ્યા વિના ભાડૂતોને બહાર કાઢી શકે છે.
લેબરે ઈંગ્લેન્ડમાં ખાનગી ભાડા ક્ષેત્રને સુધારવાની તેની વ્યાપક યોજનાના ભાગરૂપે નો ફોલ્ટ ઇવિક્શનને ગેરકાયદેસર બનાવવાનું વચન આપ્યું છે.
કોમન્સમાં ટોચના પાંચ મકાનમાલિકોમાં વેસ્ટ મિડલેન્ડ્સમાં સ્મેથવિકના લેબર સાંસદ ગુરિન્દર જોસન અને સાઉથેન્ડ ઈસ્ટના સાંસદ બાયો અલાબાનો સમાવેશ થાય છે.
કુલ 158 સાસંદો બીજુ ઘર ધરાવે છે. ટોરી લીડરશીપના ઉમેદવાર ટોમ તુગેન્ધાત તેમના પરિવારના સભ્યો સાથે ફ્રાન્સમાં સંયુક્ત રીતે ચાર ફ્લેટ અને કેટલીક ખેતીની જમીન ધરાવે છે.