(Photo by Cameron Spencer/Getty Images)

આ વર્ષની પ્રથમ ગ્રાંડ સ્લેમ ટેનિસ સ્પર્ધા, ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઈટાલીનો જેનિક સિન્નર તથા અમેરિકાની મેડિસન કીઝ ચેમ્પિયન બન્યા હતા, તો સિન્નરના જર્મન હરીફ એલેકઝાન્ડર ઝવેરેવ તથા મેડિસનની બેલારૂસની હરીફ આર્યાના સબાલેન્કા રનર્સ અપ રહ્યા હતા.

ગયા સપ્તાહે મેલબોર્નમાં પુરી થયેલી ઓસ્ટ્રેલિયન ઓપનમાં સિન્નરે સીધા સેટ્સમાં ઝવેરેવને 6-3, 7-6 (4), 6-3થી હરાવ્યો હતો. ઝવેરેવે સારો પ્રતિકાર કર્યો હતો અને આ મુકાબલો 2 કલાબ 42 મિનિટ ચાલ્યો હતો. વિશ્વના ટોચના ક્રમાંકિત સિન્નરે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનથી પોતાની ગ્રાંડ સ્લેમ ટાઈટલની યાત્રા શરૂ કરી હતી અને પછી યુએસ ઓપનનો તાજ પણ હાંસલ કર્યો હતો, એ રીતે આ તેનું ત્રીજું ગ્રાંડ સ્લેમ ટાઈટલ બન્યું હતું. તે અત્યારસુધીમાં ત્રણ સ્લેમની ફાઈનલમાં જ પહોંચ્યો છે અને ત્રણેમાં સફળતા મેળવી છે, તો સામે તેનો હરીફ ઝવેરેવ પણ અત્યારસુધીમાં ત્રણ ગ્રાંડ સ્લેમ ફાઈનલમાં પહોંચ્યો છે, પણ તેને પ્રથમ ટાઈટલ પ્રાપ્ત કરવામાં હજી સફળતા મળી નથી.

મેડિસન કીઝ મહિલા ચેમ્પિયનઃ તો અમેરિકાની મેડિસન કીઝે શનિવારે મહિલા સિંગલ્સની ફાઈનલમાં બેલારૂસની આર્યાના સબાલેન્કાને સંઘર્ષપૂર્ણ જંગમાં 6-3, 2-6, 7-5થી હરાવી 29 વર્ષની વયે પ્રથમ ગ્રાંડ સ્લેમ ટાઈટલ હાંસલ કર્યું હતું. કીઝે સેમિફાઈનલમાં પણ ઈગા સ્વીઆટેકને હરાવી અપસેટ સર્જ્યો હતો. આ રીતે, ઓસ્ટ્રેલિયન ઓપનમાં ટોચની બે ખેલાડીઓને હરાવવામાં સેરેના વિલિયમ્સ પછી મેડિસન કીઝ બીજી અમેરિકન ખેલાડી બની હતી. 2017માં યુએસ ઓપનમાં રનર અપ રહેલી કીઝની આ ફક્ત બીજી ગ્રાંડ સ્લેમ ફાઈનલ હતી.

LEAVE A REPLY