(ANI Photo)

યુકે અને આયર્લેન્ડ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે છ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર મંગળવાર, 4 માર્ચે લંડન પહોંચ્યાં હતાં. જયશંકર શુક્રવારે નોર્ધન આયર્લૅન્ડના બેલફાસ્ટમાં ભારતના નવા કૉન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કરશે. શનિવારે નોર્થ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં બીજું ભારતીય કૉન્સ્યુલેટ ખુલ્લુ મુકશે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેઓ એક ડાયસ્પોરા ઇવેન્ટમાં ભાગ લેશે.

ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ જણાવ્યું હતું કે જયશંકરની મુલાકાત બંને દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે. ભારત અને યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે, તેનાથી સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થવ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ, લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં સંબંધો મજબૂત બન્યાં છે.

મંગળવાર અને બુધવારે જયશંકર તેમના બ્રિટિશ સમકક્ષ ડેવિડ લેમી, અન્ય ઘણા મહાનુભાવો અને બ્રિટનમાં ભારતીયસમુદાયના સભ્યો સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરશે. તેમની બંધ-બારણાની ચર્ચાઓનો મુખ્ય એજન્ડા ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટો, વ્યાપક વિદેશ નીતિ અને સુરક્ષા મુદ્દાઓ હશે.

બુધવારે સાંજે, જયશંકર લંડનમાં કેથમ હાઉસ થિંક ટેન્કમાં ‘ભારતનો ઉદય અને વિશ્વમાં ભૂમિકા’ વિષય પર વાતચીતના સેશનમાં ભાગ લેશે. ગુરુવારે, તેઓ ડબલિનમાં તેમના આઇરિશ સમકક્ષ સિમોન હેરિસ અને આયર્લેન્ડમાં ભારતીય સમુદાયના સભ્યોને મળે તેવી અપેક્ષા છે.

LEAVE A REPLY