ANI Photo)

પાકિસ્તાનને તેની ધરતી પરથી સ્પષ્ટ સંદેશ આપતા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવાર, 16 ઓક્ટોબરે જણાવ્યું હતું કે સીમા પારથી ચાલતી આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદની ત્રણ પ્રવૃત્તિઓને કારણે વેપાર, ઉર્જા પ્રવાહ અને જોડાણને પ્રોત્સાહન ન મળે તેવી શક્યતા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં તેમના સંબોધનમાં જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વેપાર અને કનેક્ટિવિટી પહેલોએ પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વને માન્યતા આપવી જોઈએ. વિશ્વાસના અભાવ પર પ્રમાણિક વાતચીત કરવી આવશ્યક છે.

SCOના સભ્ય દેશોની સરકારના વડાઓ (CHG)ની 23મી બેઠકમાં શરીફના પ્રારંભિક સંબોધન પછી તરત જ જયશંકરે સંબોધન કર્યું હતું. આ બેઠકમાં ચીનના વડાપ્રધાન લી ક્વિઆંગે પણ હાજરી આપી હતી. પૂર્વ લદ્દાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે મિલિટરી મડાગાંઠ તથા હિંદ મહાસાગર અને અન્ય વ્યૂહાત્મક જળસીમામાં ચીનની વધતી જતી દરમિયાનગીરી વચ્ચે જયશંકરે આ ટીપ્પણી કરી હતી.

વિદેશ પ્રધાને પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું “જો સરહદો પારથી આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદની પ્રવૃત્તિઓ થતી હોય તો તેનાથી વેપાર, ઉર્જા પ્રવાહ, કનેક્ટિવિટી અને લોકો-થી-લોકોના આદાનપ્રદાનને પ્રોત્સાહિત કરે તેવી સંભાવના નથી.

જયશંકર મંગળવારે ઇસ્લામાબાદ પહોંચ્યા હતાં અને લગભગ એક દાયકામાં પાકિસ્તાનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વિદેશ પ્રધાન બન્યા હતાં. તેમણે પાકિસ્તાનની રાજધાની શહેરમાં SCO-CHG સમિટમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

આ સમિટ પહેલા પીએમ શરીફે જયશંકર સાથે હાથ મિલાવ્યા અને સમિટના સ્થળ જિન્ના કન્વેન્શન સેન્ટર ખાતે તેમનું અને SCO સભ્ય દેશોના અન્ય નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે સહકાર પરસ્પર આદર અને સાર્વભૌમ સમાનતા પર આધારિત હોવો જોઈએ અને જો આ ગ્રુપ પરસ્પર વિશ્વાસ સાથે સામૂહિક રીતે આગળ વધે તો SCO સભ્ય દેશોને ઘણો ફાયદો થઈ શકે છે. તેમણે ખાસ કરીને SCO ચાર્ટરનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો. તેમાં પરસ્પર વિશ્વાસ, મિત્રતા અને સારા પડોશી જેવી બાબતોનો સમાવેશ થાય છે. જયશંકરે કહ્યું હતું કે ક્યાંક “સારા પાડોશી” ખૂટે છે અને વિશ્વાસનો અભાવ છે કે નહીં તે અંગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

LEAVE A REPLY