તા. 5ના બુધવારે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરના કાફલા તરફ ધસી રહેલા ખાલિસ્તાન સમર્થક ઉગ્રવાદીએ કરેલા સુરક્ષા ભંગની ભારત અને યુકે સરકારે સખત નિંદા કરી હતી. જયશંકર લંડનમાં ચેથામ હાઉસ થિંક ટેન્કમાંથી બહાર નીકળતા હતા ત્યારે ખાલિસ્તાન સમર્થક સૂત્રોચ્ચાર કરતા અને અલગતાવાદી ધ્વજ લહેરાવતા પ્રદર્શનકારીઓના નાના જૂથના એક વ્યક્તિએ સુરક્ષા પરિમિતિનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો હતો.
ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “વિદેશ મંત્રીની યુકે મુલાકાત દરમિયાન ગઈકાલે (બુધવારે) ચેથામ હાઉસની બહાર બનેલી ઘટનાની અમે સખત નિંદા કરીએ છીએ. યુકે શાંતિપૂર્ણ વિરોધના અધિકારને સમર્થન આપે છે, ત્યારે જાહેર કાર્યક્રમોને ડરાવવા, ધમકી આપવા અથવા વિક્ષેપિત કરવાના કોઈપણ પ્રયાસો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. મેટ્રોપોલિટન પોલીસે પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઝડપથી કાર્યવાહી કરી હતી. અમે અમારી આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અનુસાર અમારા તમામ રાજદ્વારી મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.’’
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે “અમે EAMની યુકેની મુલાકાત દરમિયાન સુરક્ષાના ભંગના ફૂટેજ જોયા છે. અમે અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓના આ નાના જૂથની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓની નિંદા કરીએ છીએ. અમે આવા તત્વો દ્વારા લોકતાંત્રિક સ્વતંત્રતાના દુરુપયોગની નિંદા કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે આવા કિસ્સાઓમાં યજમાન સરકાર તેમની રાજદ્વારી જવાબદારીઓનું સંપૂર્ણ પાલન કરે.”
MEAએ યુકેના ચાર્જ ડી’ અફેયર્સ ક્રિસ્ટીના સ્કોટને પણ તેની ગંભીર ચિંતાઓ નોંધાવવા માટે બોલાવ્યા હતા.
મેટ પોલીસના અધિકારીઓએ પ્રદર્શનકારીને ઝડપથી એક બાજુ લઈ ગયા હતા. જોકે હજુ સુધી કોઈ ધરપકડની પુષ્ટિ કરવામાં આવી નથી.
કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ઇનસાઇટ યુકેએ સોશિયલ મીડિયા પર ઘટનાના ફૂટેજ પોસ્ટ કરતા જણાવ્યું હતું કે “એ શરમજનક છે કે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે ડૉ. એસ. જયશંકર યુકેના પ્રવાસે છે અને યુકેના વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા કરી હતી.”
બેકબેન્ચ બિઝનેસ કમિટીના અધ્યક્ષ અને બ્રિટનના વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાસંદ બોબ બ્લેકમેને ગુરુવારે હાઉસ ઓફ કોમન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકર પર “ખાલિસ્તાની ગુંડાઓ” દ્વારા કરવામાં આવેલા “હુમલા”નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આ સુરક્ષા ભંગને લોકશાહીનું અપમાન ગણાવી હોમ સેક્રેટરી હ્વવેટ કૂપરને યુકેમાં ભારતીય મુલાકાતીઓની સલામતીના મુદ્દા પર સંસદમાં નિવેદન આપવા હાકલ કરી હતી.
બ્લેકમેને કહ્યું હતું કે “ભારતના વિદેશ મંત્રી શ્રી જયશંકર પર “ખાલિસ્તાની ગુંડાઓ દ્વારા હુમલો કરાયો તે જીનીવા સંમેલનની વિરુદ્ધ છે. એવું લાગે છે કે પોલીસ અને સુરક્ષા દળો તેમને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ ગયા છે. આ લોકશાહીનું અપમાન છે, અને ભારતમાં આપણા મિત્રો અને સાથીઓનું અપમાન છે. આપણે ખાતરી કરવાની જરૂર છે કે આવું ફરી ન થાય.”
લેબર સરકારના હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે આ ઘટના પર પોતાનો આઘાત વ્યક્ત કરી બ્લેકમેનને હોમ સેક્રેટરી તરફથી “સંપૂર્ણ પ્રતિભાવ” આપવાની ખાતરી આપી જણાવ્યું હતું કે “આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ અસ્વીકાર્ય છે.”
જાન્યુઆરીમાં, ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓએ ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ખાલિસ્તાની જૂથોએ લંડનના હેરોમાં એક સિનેમા પર હુમલો કરી ફિલ્મ ‘ઇમરજન્સી’ના સ્ક્રીનિંગને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
