ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં હાજરી આપવા માટે મંગળવારે ઈસ્લામાબાદ પહોંચ્યા હતાં. આશરે નવ વર્ષ પછી ભારતના વરિષ્ઠ પ્રધાન પાકિસ્તાનમાં ગયા છે. પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ નૂરખાન એરબેઝ પર જયશંકરનું સ્વાગત કર્યું હતું.
પાકિસ્તાન 15 અને 16 ઓક્ટોબરે બે દિવસીય SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG) સમિટનું આયોજન કરી રહ્યું છે.
પાકિસ્તાનની મુલાકાત લેનાર છેલ્લા ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ હતાં. તેઓ ડિસેમ્બર 2015માં અફઘાનિસ્તાન પર એક કોન્ફરન્સમાં ભાગ લેવા ઈસ્લામાબાદ ગયાં હતાં.
વિદેશ મંત્રાલય (MEA)એ જણાવ્યું હતું કે SCO CHG મીટિંગ વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે અને તે સંગઠનના વેપાર અને આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદેશ પ્રધાન એસ જયશંકર મીટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. SCO માળખામાં વિવિધ મિકેનિઝમ્સ અને પહેલો સહિત SCO ફોર્મેટમાં ભારત સક્રિયપણે સંકળાયેલું છે.
અગાઉ ભારત અને પાકિસ્તાન બંને પક્ષોએ SCO વડાઓની બેઠક દરમિયાન જયશંકર અને તેમના પાકિસ્તાન સમકક્ષ ઇશાક ડાર વચ્ચે કોઈપણ દ્વિપક્ષીય વાટાઘાટોને નકારી કાઢી હતી.
અગાઉ પાકિસ્તાનને આ સમીટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. ઈસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે લાંબા સમયથી સંબંધો વણસેલા છે અને બંને દેશો વચ્ચે વાતચીતનો પણ કોઇ વ્યવહાર નથી. તેથી ભારતના આ નિર્ણયનું વિશેષ મહત્ત્વ છે. SCO સંગઠનમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.