ઐતિહાસિક પર્યુષણ પર્વ પ્રસંગે લંડન, માન્ચેસ્ટર, લેસ્ટર અને ગ્લાસગો સહિત 10થી વધુ જૈન સંઘોના લગભગ 200 તપસ્વીઓનું જૈન એલર્ટ ગ્રુપ યુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પર્યુષણ પર્વ દરમિયાન આધ્યાત્મિક દ્રઢતા અને સમર્પણના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સમગ્ર યુકેમાં ઐતિહાસિક પર્યુષણ તપસ્વી બહુમાન અને પ્રભાવનની ઉજવણી થઇ હતી.
આ વર્ષ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતું કારણ કે સમગ્ર યુકેમાં આટલા મોટા પાયે તપસ્વી અનુમોદના સમારોહ પ્રથમ વખત યોજાયો હતો. જૈન એલર્ટ ગ્રુપ યુકે દ્વારા તપસ્વી બહુમાન અને પ્રભાવના પ્રસંગને સમર્થન આપનારા તમામ ઉદાર પ્રાયોજકોની “ખૂબ ખૂબ અનુમોદના” સાથે હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે.
મહાવીર ફાઉન્ડેશન ખાતે સંવત્સરી પ્રતિક્રમણને સ્પોન્સર કરવા બદલ અને સમુદાયના આધ્યાત્મિક ઉત્થાનમાં વધુ યોગદાન માટે જૈન એલર્ટ ગ્રુપ યુકેને સન્માનિત કરવામાં આવ્યું હતું.
જૈન એલર્ટ ગ્રુપ યુકેની ટીમ આ ખાસ ક્ષણો દરમિયાન એકતા અને ભક્તિના સારને કેપ્ચર કરીને દેશભરના વિવિધ જૈન સંઘો પાસેથી ફોટા એકત્ર કરી રહી છે.