બોલીવૂડમાં અનેકવારે એવી ચર્ચા થાય છે કે, મુખ્ય ત્રણ ખાન અભિનેચા ક્યારેક એક સાથે એક ફિલ્મમાં જોવા મળે તો ! શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનમાંથી બે તો ભૂતકાળમાં એક ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા, પરંતુ ત્રણેય એકસાથે કોઈ ફિલ્મમાં અત્યાર સુધી ક્યારેય જોવા મળ્યા નથી. તાજેતરમાં સલમાન ખાને એક મીડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ત્રણે ખાન એક ફિલ્મમાં એકસાથે એવી શક્યતા ખૂબ જ ઓછી છે. સલમાને તેની પાછળનું વ્યાજબી કારણ પણ રજૂ કર્યું હતું.
સલમાને કહ્યું, “બધું જ ફિલ્મની કહાની પર આધારિત છે. જો અમને એવા કોઈ પ્રકારની સ્ક્રિપ્ટ મળે, તો અમે પણ સાથે કામ કરી શકીએ છીએ. પરંતુ આજ સુધી કોઈએ અમને ત્રણેયને એકસાથે કોઈ ફિલ્મ ઓફર કરી જ નથી. જો અમે એક સાથે કામ કરીએ તો, એ બહુ મોટી ફિલ્મ હશે, સાથે જ દિગ્દર્શકની જવાબદારી પણ ખૂબ મોટી હશે. સાથે જ ફિલ્મનું બજેટ પણ ખુબ મોટું હોવું જોઈએ, તેથી અમે ત્રણ સાથે હોઈએ એવી કોઈ ફિલ્મ કોઈ બનાવશે જ નહીં.”
