અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં કેન્નેસો નામનું એક નાનું ટાઉન છે. અહીં એક અનોખી કાયદાકીય પરંપરા અમલમાં છે, જે મુજબ અહીંના રહેવાસીઓએ તેમના ઘરમાં હથિયારો અને દારૂગોળો રાખવો જરૂરી છે. આ નિયમ 1980ના દસકામાં ઘડવામાં આવ્યો હતો. એક અધ્યાદેશ મુજબ સમુદાયની સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે દરેક ઘરના વડાએ હથિયાર અને દારૂગોળો રાખવો ફરજિયાત છે. આ કાયદા અંગે કેટલાક નિવાસીઓ ગર્વ અનુભવે છે, આ નિયમને શહેરીજનો બંદૂક રાખવાની પરંપરા તરીકે સ્વીકારે છે, અન્ય લોકો આ પરંપરાને ક્ષોભજનક માને છે. જોકે, લોકો એવું માને છે કે, આ કાયદાથી શહેરની સલામતી જળવાય છે.
જોકે, રસપ્રદ બાબત એ છે કે, દરેક વ્યક્તિએ આ કાયદાનું પાલન કરવું જરૂરી નથી. માનસિક અથવા શારીરિક વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ, ભૂતકાળમાં ગુનાઇત સજા પામેલી અને જુદી જુદી ધાર્મિક માન્યતાઓ ધરાવતી વ્યક્તિઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. કેન્નેસોના ગુનાના આંકડા નોંધનીય છે. અહીંની પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, 2023માં હત્યાના કોઇ કેસ નોંધાયા નથી. જોકે, બંદૂક રાખનારા બે લોકોએ આત્મહત્યા કરી હતી. અમેરિકાના અન્ય શહેરો- ગન બેરલ સિટી, ટેક્સાસ અને વર્જિન, ઉતાહમાં આવો જ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY