લેન્કેશાયરના ઓસ્વાલ્ડટવિસલમાં બ્રિટનનું સૌથી મોટુ મુસ્લિમ કબ્રસ્તાન બનાવવાની યોજના બનાવનાર બિલીયોનેર મોહસીન અને ઝુબેર ઇસાએ ભારે સ્થાનિક વિરોધનો સામનો કરવો પડ્યો છે. કબ્રસ્તાન સામે વાંધો રજૂ કરનાર 1,000થી વધુ સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે આ દરખાસ્તો નગરના લેન્ડસ્કેપને બગાડશે, પૂરનું જોખમ વધારશે, રોડ ટ્રાફિક વધારશે અને ઘણા લોકો સ્થાનિક ગ્રીન બેલ્ટ જમીન પર અસર અંગે ચિંતિત છે.
મોહસીન અને ઝુબેર ઇસા ૧૮.૫ હેક્ટરમાં 13,500 લોકોનું દફન થઇ શકે તેવું કબ્રસ્તાન બાંધવા માંગે છે. પરંતુ આ શહેરની વસ્તી માત્ર 10,815ની જ છે. આ કબ્રસ્તાનમાં ફ્યુનરલ પાર્લર અને પ્રાર્થના હોલ હશે. આ યોજના માટે ઇસા ભાઈઓની ચેરિટી, ઇસા ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
‘સે નો ટુ ધ કબ્રસ્તાન કેમ્પેઇન ગૃપ’ સાથે કામ કરતા કન્ઝર્વેટિવ કાઉન્સિલર ઝાક ખાને આરોપ મૂક્યો હતો કે ‘’ઇસા ભાઈઓ સામાન્ય લોકોના ભોગે તેમનું સામ્રાજ્ય બનાવવાનો પ્રયાસ કરે છે. કબ્રસ્તાન યોગ્ય નથી અને સમુદાયમાં વિભાજન બનાવી રહ્યું છે અને સ્થાનિક સમુદાયો પર બાંધકામ કરવાનો પ્રયાસ કરીને તેમના વારસાને બાળી રહ્યા છે જે તેમની ઓળખ જાળવી રાખવા માંગે છે.”
આક્ષેપ છે કે ઇસા ભાઇઓ લેન્કેશાયરમાં પોતાનો પ્રભાવ વધારવા 95 ફૂટ ઊંચા મિનારાઓ સાથેની મસ્જિદ અને £3 મિલિયનની ડેન્ટલ સર્જરી પણ બનાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2021માં ઇસા ભાઈઓએ ખાનગી ઇક્વિટી ફર્મ TDR કેપિટલ સાથે મળીને આસ્ડા સુપરમાર્કેટ ખરીદ્યું હતું. પરંતુ ઝુબેર ઇસ્સાએ ગયા વર્ષે પોતાનો હિસ્સો વેચી દીધો હતો. દરમિયાન, મોહસીન ઇસા હાલ આસ્ડામાં લઘુમતી શેરહોલ્ડર છે. જોકે તેણે ગયા વર્ષે કંપનીના રોજિંદા સંચાલનમાંથી રાજીનામું આપ્યું હતું.
