ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ગુરુવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી તેના PSLV-C59 રોકેટ મારફત યુરોપના પ્રોબા-3 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. યુરોપિયન સ્પેસ એજન્સીએ સૌર પ્રયોગ માટે આ મિશન હાથ ધર્યું છે અને તેનો કોન્ટ્રાક્ટ ઇસરોને આપ્યો હતો.
ISROના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે રોકેટના ઉડાનના લગભગ 18 મિનિટ પછી બંને ઉપગ્રહોને ‘યોગ્ય ભ્રમણકક્ષા’માં ગોઠવવામાં આવ્યાં હતાં. પ્રોબા-3 (પોજેક્ટ ફોર ઓનબોર્ડ ઓટોનોમી) મિશનમાં જોડિયા ઉપગ્રહોનો સમાવેશ થાય છે, જેમાં બે અવકાશયાન (ઉપગ્રહોની અંદર મૂકવામાં આવેલા) એક સાથે ઉડાન ભરશે તથા સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરવા માટે એક મિલી-મીટર સુધી ચોક્કસ ફોર્મેશન જાળવી રાખશે.
ISROની વ્યાપારી શાખા ન્યૂસ્પેસ ઈન્ડિયા (NSIL)ને યુરોપિયન સ્પેસ એજન્સી પાસેથી આ મિશન લોન્ચ કરવાનો ઓર્ડર મળ્યો હતો. 8-મિનિટની મુસાફરીમાં પછી, રોકેટે સફળતાપૂર્વક બે ઉપગ્રહોને ઇચ્છિત ભ્રમણકક્ષામાં અલગ કર્યા હતા જેને પાછળથી બેલ્જિયમમાં ESAના વૈજ્ઞાનિકો દ્વારા ઇચ્છિત ભ્રમણકક્ષામાં મૂકાશે.