ઈસરો દ્વારા લેટેસ્ટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘ઈઓએસ-08’ તાજેતરમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી)-ડી3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇઓએસ-08 મિશનના મુખ્ય હેતુઓમાં એક માઇક્રોસેટેલાઇટની ડિઝાઇન અને વિકાસ કરવો, માઇક્રોસેટેલાઇટ બસ સાથે સુસંગત પેલોડ ઉપકરણો બનાવવા અને ભવિષ્યના ઓપરેશનલ સેટેલાઇટ્સ માટે જરૂરી નવી ટેકનોલોજીનો સમાવેશ કરવાનો સમાવેશ થાય છે.
માઇક્રોસેટ/આઇએમએસ-1 બસ પર નિર્મિત ઇઓએસ-08 ત્રણ પેલોડનું વહન કરે છેઃ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ (ઇઓઆઇઆર), ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ-રિફ્લેક્ટોમેટ્રી પેલોડ (જીએનએસએસ-આર) અને એસઆઇસી યુવી ડોસિમીટર. ઇઓઆઇઆર પેલોડને સેટેલાઇટ-આધારિત સર્વેલન્સ, ડિઝાસ્ટર મોનિટરિંગ, પર્યાવરણીય નિરીક્ષણ, આગની તપાસ, જ્વાળામુખીની પ્રવૃત્તિ નિરીક્ષણ અને ઔદ્યોગિક અને પાવર પ્લાન્ટ ડિઝાસ્ટર મોનિટરિંગ જેવી એપ્લિકેશન્સ માટે દિવસ અને રાત એમ બંને દરમિયાન મિડ-વેવ આઇઆર (એમઆઇઆર) અને લોંગ-વેવ આઇઆર (એલડબલ્યુઆઇઆર) બેન્ડમાં પીક્ચર કેપ્ચર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
જીએનએસએસ-આર પેલોડ દરિયાઇ સપાટીના પવન વિશ્લેષણ, માટીના ભેજનું મૂલ્યાંકન, હિમાલયના પ્રદેશ પર ક્રાયોસ્ફિયર અભ્યાસ, પૂરની શોધ અને આંતરિક વોટરબોડી ડિટેક્શન જેવા એપ્લિકેશન્સ માટે જીએનએસએસ-આર-આધારિત રિમોટ સેન્સિંગનો ઉપયોગ કરવાની ક્ષમતા દર્શાવે છે. દરમિયાન, એસઆઇસી યુવી ડોસિમીટર ગગનયાન મિશનમાં ક્રૂ મોડ્યુલના વ્યૂપોર્ટ પર યુવી વિકિરણનું નિરીક્ષણ કરે છે અને ગામા કિરણોત્સર્ગ માટે હાઇ-ડોઝ એલાર્મ સેન્સર તરીકે કાર્ય કરે છે.