ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ શ્રીહરિકોટાથી સોમવારે 30 ડિસેમ્બર 2024ની રાત્રે 10 વાગ્યે એક PSLV રોકેટ મારફત ભારતનું પ્રથમ સ્પેસ ડોકિંગ મિશન લોન્ચ કર્યું હતું. આ મિશનનું નામ સ્પેસ ડોકિંગ એક્સપેરીમેન્ટ (SpaDeX) છે. લોન્ચ કર્યાના 15 મિનિટ પછી મિશન ડાયરેક્ટરે તેને સફળ ગણાવ્યું હતું. ડોકિંગ ટેકનોલોજીનું વાસ્તવિક પરીક્ષણ એક સપ્તાહમાં થશે. આવી ટેકનોલોજી હાલમાં અમેરિકા, રશિયા અને ચીન પાસે છે. તેથી ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ચોથો દેશ બનશે.
ઈસરોએ આ મિશનની સફળતા જ ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS)ના બનવા અને ચંદ્રયાન-4 મિશનની સફળતાને નક્કી કરશે. આ કારણ છે કે આ લોન્ચિંગને ખુબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે.
મિશન ભાવિ સ્પેસ સાહસો માટે મહત્ત્વપૂર્ણ છે. તેમાં સેટેલાઇટના મેન્ટેનન્સ અને સૂચિત સ્પેસ સ્ટેશનનો સમાવેશ થાય છે. સહિયારા મિશન ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે બહુવિધ રોકેટ પ્રક્ષેપણ જરૂરી હોય ત્યારે ઇન-સ્પેસ ડોકીંગ ટેકનોલોજી નિર્ણાયક બનતી હોય છે. ભારતના મિશનમાં આશરે 220 કિલોગ્રામના બે નાના અવકાશન યાન છે. તે બે સ્પેસક્રાફ્ટ વચ્ચે ઇલેક્ટ્રિક પાવરના ટ્રાન્સફરની ક્ષમતા દર્શાવે છે, જે ઇન-સ્પેસ રોબોટિક, કમ્પોઝિટ સ્પેસક્રાફ્ટ કંટ્રોલ અને પેલોડ માટે જરૂરી છે.
ISROના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું કે ડોકિંગ ટેક્નોલોજીનું વાસ્તવિક પરીક્ષણ લગભગ એક અઠવાડિયાના સમયમાં થઈ શકે છે. આ ટેસ્ટિંગ માટે તેમણે 7 જાન્યુઆરીની તારીખનો સંકેત આપ્યો હતો.