ગાઝામાં ઇઝરાયેલી આર્મીએ એક ઓપરેશન હાથ ધરીને આતંકી સંગઠન હમાસના વડા યાહ્યા સિનવારને ઠાર કર્યો હતો. સિનવારને સાત ઓક્ટોબર 2023ના ઇઝરાયેલ પરના હુમસાના હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે અને તેનું મોત ઇઝરાયેલની મોટી સફળતા છે.
ઇઝરાયેલે હમાસ સામે વળતી કાર્યવાહી કર્યા પછી છેલ્લાં એક વર્ષથી 61 વર્ષીય સિનવાર ઠેકાણા બદલીને છુપાતો ફરતો હતો, પરંતુ ઇઝરાયેલે તેને ટ્રેક કરીને ઠાર કર્યો હતો. હમાસની લશ્કરી ક્ષમતામાં નાટકીય વધારો થયો તેની પાછળનું મુખ્ય કારણ સિનવાર હતો. તેથી જ ઇસ્માઇલ હાનિયાને ઇઝરાયેલે જુલાઈમાં ઠાર કર્યો પછી સિન્વારને હમાસના ટોચના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલે જુલાઈમાં ઇરાનની રાજધાની તહેરાનમાં કરેલા હુમલામાં ઇસ્માઇલ હાનિયાને ઠાર કર્યો હતો.
બીજી તરફ ઇઝરાયેલે ઉત્તરી ગાઝાના જબલિયા ટાઉનમાં છેલ્લા દસ દિવસથી તેનું હવાઈ અને ભૂમિ આક્રમણ જારી રાખ્યું છે. ગુરુવારના હવાઈ હુમલામાં ૧૫ના મોત થયા હતા. તેમા પાંચ બાળકોનો સમાવેશ થાય છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના સ્થાનિક ઇમરજન્સી યુનિટના વડા ફારેસ અબુ હમઝાએ જણાવ્યું હતું કે ડઝનેક લોકો ઇજા પામ્યા છે.