ઇઝરાયેલ બે મોરચે સંઘર્ષનો સામનો કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે યુએનમાં વિશ્વ નેતાઓ સમક્ષ હુંકાર કર્યો હતો કે લેબનોન સરહદે ઉદ્દેશ હાંસલ ન થાય ત્યાં સુધી ઇઝરાયેલ હિઝબુલ્લાહને રગદોળવાનું ચાલુ રાખશે. તેમની સરકાર હવે આ વિસ્તારમાંથી દરરોજ થતાં રોકેટ હુમલાને સહન કરશે નહીં. વૈશ્વિક મંચ પર નેતન્યાહુના આ આક્રમક વલણથી યુદ્ધવિરામની આશાઓ વધુ ધૂંધળી બની હતી.
નેતન્યાહુએ જણાવ્યું હતું કે ઇઝરાયેલને આ ખતરો દૂર કરવાનો અને પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે તેમના ઘરે પરત કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને અમે આ જ કરી રહ્યાં છીએ. જ્યાં સુધી અમારા બધા ઉદ્દેશ્યો પૂરા ન થાય ત્યાં સુધી અમે હિઝબુલ્લાહ પર હુમલા ચાલુ રાખીશું. જરા કલ્પના કરો કે જો આતંકવાદીઓ અલ પાસો અને સાન ડિએગોને ભૂતિયા શહેરોમાં ફેરવી દે તો.. શું અમેરિકન સરકાર તે ક્યાં સુધી સહન કરશે? ઇઝરાયેલ લગભગ એક વર્ષથી આ અસહ્ય સ્થિતિને સહન કરી રહ્યું છે. હું આજે અહીં કહેવા આવ્યો છું કે ‘ઇનફ ઇઝ ઇનફ.’
7 ઓક્ટોબર 2023ના હમાસના હુમલા પછી તેમના દેશે આપેલા જવાબનો બચાવ કરતાં તેમણે જણાવ્યું હતું કે મારો આ વર્ષે અહીં આવવાનો ઈરાદો નહોતો. મારો દેશ તેના જીવન માટે લડાઈ લડી રહ્યો છે, પરંતુ આ મંચ પરથી ઘણા વક્તાઓએ મારા દેશને લગતા જૂઠાણાં સંભળાવ્યાં હતાં અને મારા દેશની નિંદાઓ કરી હતી, તેથી મેં અહીં આવીને સાચી સ્થિતિ રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઘણી સમસ્યા પાછળ ઇરાનને જવાબદાર ગણાવીને જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી વિશ્વે ઈરાનને ખુશ રાખવાનો પ્રયાસ કર્યો છે અને તુષ્ટિકરણ સમાપ્ત થવું જોઈએ. આ યુદ્ધ અત્યાર જ સમાપ્ત થઈ શકે છે. પરંતુ તે માટે હમાસે શરણાગતિ સ્વીકારીને હથિયારો નીચે મૂકવા પડશે તથા તમામ બંધકોને મુક્ત કરવા પડશે. પરંતુ જો તેઓ આવું નહીં કરે તો અમે સંપૂર્ણ વિજય ન મળે ત્યાં સુધી લડીશું. સપૂર્ણ વિજય. તેનો કોઈ વિકલ્પ નથી.