ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ કેટલાંક ખેલાડીઓ પ્રત્યે પક્ષપાતી ટીપ્પણી કરતા હોવાથી તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરાયો હોવાનો ખુલાસો થયો હતો. નિવૃત્તિ પછીથી બ્રોડકાસ્ટર્સ માટે પરિચિત ચહેરો રહેલા આ ભૂતપૂર્વ ક્રિકેટરને તેમની કોમેન્ટ્રી અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિમાં વ્યક્તિગત દ્વેષ લાવવા બદલ તપાસનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે બ્રોડકાસ્ટર્સ પઠાણની ટિપ્પણીઓથી ખુશ ન હતા, કે ઘણીવાર ક્યારેક કેટલાંક ખેલાડીઓ પ્રત્યે વધુ પડતી આક્રમક ટીપ્પણીઓ કરતો હતો.
ઘણા ખેલાડીઓએ ફરિયાદ કરી હતી કે ઇરફાન જાણી જોઈને તેમના વિશે વ્યક્તિગત ટિપ્પણીઓ કરી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી એવું થઈ રહ્યું છે કે જાણે પઠાણ કેટલાક ખેલાડીઓ સામે વ્યક્તિગત એજન્ડા ચલાવી રહ્યો હોય. સૂત્રે જણાવ્યું હતું કે પઠાણે IPL મેચો દરમિયાન કેટલાક ખેલાડીઓના ઇન્ટરવ્યુ લેતી વખતે ઘણું ઉદ્ધત વલણ દર્શાવ્યું હતું અને BCCIને આ ગમ્યું ન હતું.
