આઈપીએલ 2025નો ભવ્ય ઉદઘાટન સમારંભ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં શનિવારે (22 માર્ચ) યોજાયો હતો, જેમાં ગત વર્ષના ચેમ્પિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સના ભાગીદાર માલિક અને ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાને સમારોહની શરૂઆતે પ્રેક્ષકોનું સ્વાગત કર્યું હતું.
એ પછી કિંગ ખાને બોલિવુડની લોકપ્રિય ગાયિકા શ્રેયા ઘોષાલને સેટ પર આમંત્રણ આપ્યું હતું. શ્રેયાએ બોલિવુડના ગીતો ‘આમી જે તુમ્હાર’ (ભૂલ ભુલૈયા – ફિલ્મ) થી શરૂઆત કર્યા પછી ‘મોહે તુ રંગ તે બસંતી’ (રંગ દે બસંતી – ફિલ્મ) અને ‘ઘર મોરે પરદેસિયા’ (કલંક – ફિલ્મ) રજૂ કરી ચાહકોને ઢોલ અને નગારાના તાલે નચાવ્યા હતા.
રેપર અને ‘હુસ્ન તેરા તોબા તોબા’ ફેમ કરણ ઔજલાએ પણ ચાહકોને ખુશ કરી દીધા હતા, તો અભિનેત્રી દિશા પટાણીએ પોતાના જબરદસ્ત ડાન્સથી બધાનું દિલ જીતી લીધું હતું. તેના ડાન્સ મૂવ્સ જોઈને તો ચાહકો જાણે તેના દિવાના થઈ ગયા હતા. આ જબરજસ્ત કાર્યક્રમ સાંજે 6:05 વાગ્યે શરૂ થયો અને 7:00 વાગ્યે શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયો.
જો કે, સ્ટેડિયમમાં ઉપસ્થિત ના હોય તેવા દર્શકોના રંગમાં ટીવી ચેનલ અને લાઈવ સ્ટ્રીમિંગે ભંગ પાડ્યો હતો અને તેઓ રોષે ભરાયા હતા. જિઓ હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સનું લાઈવ ટેલિકાસ્ટ અધવચ્ચે જ બંધ થઈ ગયું હતું.
