ભારતે રવિવારે રાત્રે દુબઈમાં ન્યૂઝીલેન્ડને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં ચેમ્પિયનનો તાજ ધારણ કર્યો હતો અને તે સાથે ફક્ત દુબઈ કે ભારતમાં નહીં, વિશ્વભરમાં વસતા ભારતીયો અને ક્રિકેટ રસિયાઓએ વિજયોત્સવ મનાવ્યો હતો. ચાહકોએ ફટાકડા ફોડી ભારતના વિજયને વધાવી લીધો હતો તો ભારતના તમામ નાના-મોટા શહેરો, મહાનગરોમાં ક્રિકેટ રસિયાઓ સ્કુટર, મોટરસાયકલો લઈને તેમજ કારમાં બેસી પણ તિરંગો લહેરાવતા, આનંદની કિકિયારીઓ પાડતા રાત્રી સુધી માર્ગો ઉપર ફરી વળ્યા હતા.
મોડી રાત્રી સુધી દુબઈ, ઈંગ્લેન્ડ, અમેરિકા સહિતના દેશોમાં પણ ભારતીય ક્રિકેટ રસિયાઓ પોતપોતાની રીતે આ મહત્ત્વનો વિજયોત્સવ મનાવવા માર્ગો ઉપર, જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતાં. આ વિજયના આનંદનો અંદાજ એ હકિકત ઉપરથી આવે છે કે કપિલ દેવ અને સુનિલ ગાવસ્કાર જેવા પીઢ ખેલાડીઓ પણ તેમનો પ્રતિભાવ જાણવા પહોંચેલી ટીવી કેમેરામેન અને નિષ્ણાતોની ટીમ સામે કેમેરા ઉપર લાઈવ વિજયનો આનંદ મનાવતા નાચવા લાગ્યા હતાં અને એ રીતે ઉત્સાહ પ્રદર્શિત કર્યો હતો.
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાત વિકેટે 251 રન કર્યા હતાં, તેના જવાબમાં ભારતે 49મી ઓવરના અંતે છ વિકેટે 254 રન કરી ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફી હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે સાઉથ આફ્રિકામાં ટી-20 વર્લ્ડ કપ પણ હાંસલ કર્યો હતો. રવિવારના વિજય પહેલા જો કે, ન્યૂઝીલેન્ડના બોલર્સ ખાસ કરીને સ્પિનર્સે ભારતને ખૂબજ ભીંસમાં પણ મુકી દીધું હતું અને મેચમાં ભારે રસાકસી જામી હતી.
