ભારતના પરંપરાગત બેવરેજ ‘ગોલી સોડા’ને અમેરિકા, યુકે, યુરોપ અને ગલ્ફ સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકોનો મજબૂત પ્રતિસાદ મળી રહ્યો છે.વ્યૂહાત્મક વિસ્તરણ અને ઇનોવેશનને પગલે આ બજારોમાં મોટી માગ જોવા મળી છે.
વાણિજ્ય મંત્રાલયના હેઠળના કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળ (APEDA)એ જણાવ્યું હતું કે ફેર એક્સપોર્ટ્સ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ ભારતે ગલ્ફ ક્ષેત્રની સૌથી મોટી રિટેલ ચેઇન્સમાંની એક લુલુ હાઇપરમાર્કેટમાં ગોલી સોડાનું વેચાણ ચાલુ કર્યું છે. ગોલી સોડાનું બ્રાન્ડનેમ બદલીને પણ ગોલી પોપ સોડા કરવામાં આવ્યું છે.
એક સમયે ઘરમાં પ્રચલિત બનેલું આ આઇકોનિક બેવરેજ વૈશ્વિક મંચ પર નોંધપાત્ર પુનરાગમન કરી રહ્યું છે. યુએસએ, યુકે, યુરોપ અને ગલ્ફ દેશોમાં સફળ ટ્રાયલ શિપમેન્ટ સાથે આ પ્રોડક્ટે વૈશ્વિક બજારોમાં મજબૂત સ્થાન મેળવ્યું છે.
બહુરાષ્ટ્રીય બેવરેજ કંપનીઓના વર્ચસ્વને કારણે લગભગ અદ્રશ્ય થઈ ગયેલી આ બ્રાન્ડનું પુનરાગમન વૈશ્વિક બજારોમાં અધિકૃત, સ્વદેશી ખાદ્ય અને પીણા પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવા અને નિકાસ કરવાના ભારતના પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે વૈશ્વિક બજારમાં પ્રોડ્કસ માંગ સાબિત કરે છે કે સ્વદેશી ભારતીય ફ્લેવર્સ આંતરરાષ્ટ્રીય જાયન્ટ્સ સાથે સ્પર્ધા કરી શકે છે, જેનાથી સ્થાનિક નિકાસ માટે નવા રસ્તાઓ ખુલે છે.
