REUTERS/Ash Allen
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ ગયેલી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ગયા સપ્તાહે શનિવારે વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોઝમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાને દિલધડક, રોમાંચક, ઉત્તેજનાસભર મુકાબલામાં સાત રને હરાવી ભારતીય ક્રિકેટ ટીમ ફરી ચેમ્પિયન બની હતી. તમામ ફોર્મેટમાં બધી જ ધુરંધર ટીમોને અવારનવાર હરાવવા છતાં ભારતીય ટીમ આઈસીસીની ટુર્નામેન્ટમાં 11 વર્ષથી વિજેતાપદની રાહ જોતી રહી હતી.
ફાઈનલમાં પહોંચતા સુધી ભારત અને સાઉથ આફ્રિકા બન્ને ટીમ અજેય હતી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી સાત વિકેટે 176 રન કર્યા હતા, જેમાં વિરાટ કોહલીના 59 બોલમાં બે છગ્ગા અને છ ચોગ્ગા સાથે 76 તથા અક્ષર પટેલના 31 બોલમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગા સાથે 47 રન મુખ્ય હતા. શિવમ દુબેએ 16 બોલમાં 27 રન કર્યા હતા.
સાઉથ આફ્રિકા તરફથી નોર્ખિયે અને કેશવ મહારાજે બે-બે તથા યાન્સેન અને રબાડાએ એક-એક વિકેટ લીધી હતી.
જવાબમાં સાઉથ આફ્રિકા 8 વિકેટે 169 સુધી પહોંચી શકી હતી. એક તબક્કે વિજય તેના હાથવેંતમાં હતો અને તેને 30 બોલમાં 30 રનની જરૂર હતી, એ તબક્કે હાર્દિક પંડ્યાએ હેનરીક ક્લાસેનની અને પછી જસપ્રીત બુમરાહે માર્કો યાન્સેનની વિકેટો લઈ સાઉથ આફ્રિકાના વિજય રથના પૈડા તોડી નાખ્યા હતા, તો છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી અને ડેવિડ મિલર બેટિંગમાં હતો ત્યારે સૂર્યકુમાર યાદવે તેનો અદભૂત કેચ ઝડપી ભારતને વિજયની નિકટ લાવી દીધું હતું. એ પછી રબાડા પણ પાંચમાં આઉટ થયો હતો અને ભારતનો વિજય નિશ્ચિત બન્યો હતો.
ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 20 રન આપી ત્રણ તથા બુમરાહ અને અર્શદીપે ચાર-ચાર ઓવરમાં અનુક્રમે 18 અને 20 રન આપી બે-બે વિકેટ લીધી હતી.કોહલીને તેના મહત્ત્વના 76 રન માટે પ્લેયર ઓફ ધી મેચ તથા સમગ્ર ટુર્નામેન્ટમાં વેધક બોલિંગ બદલ જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ જાહેર કરાયા હતા.

LEAVE A REPLY