કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા પછી ભારત સરકારે ભારતીય નાગરિકોને કેનેડામાં વધતા નફરતના ગુનાઓ અને હિંસાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સલાહ આપી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ જણાવ્યું હતું કે “અમે અમારા નાગરિકો અને ભારતીય વિદ્યાર્થીઓ માટેઅત્યંત સાવધાની રાખવા અને કેનેડામાં નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાની વધતી જતી ઘટનાઓના પરિણામે બગડતા સુરક્ષા વાતાવરણને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવાની સલાહ આપી છે.”
ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યાની સંપૂર્ણ તપાસની માગણી કરતાં જયસ્વાલે શુક્રવારે કહ્યું હતું કે કેનેડામાં તાજેતરમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા એ એક ભયાનક સ્થિતિ તરફ ઈશારો કરે છે, ભારતીય હાઈ કમિશન અને વાણિજ્ય દૂતાવાસ કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીઓના પરિવારના સંપર્કમાં પણ છે. જે વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી છે તેમના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.
ભારત ખાલિસ્તાન તરફી વ્યક્તિઓને ભારતીય વિઝા આપતું ન હોવાના કેનેડાના મીડિયાના અહેવાલ અંગે તેમણે જણાવ્યું હતું કે ભારતને બદનામ કરવાના કેનેડિયન મીડિયાના પ્રચારનું આ બીજું ઉદાહરણ છે. ભારતીય વિઝા આપવા અમારું સાર્વભૌમ કાર્ય છે અને અમારી પ્રાદેશિક અખંડિતતાને નુકસાન પહોંચાડનારાઓને વિઝા ન આપવાનો અમને કાયદેસરનો અધિકાર છે.