(ANI Photo/Doordarshan Sports-X)
ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકાનો ત્રણ ટી-20 અને ત્રણ વન-ડેની સીરીઝના પ્રવાસનો આરંભ ધમાકેદાર રહ્યો હતો, તો અંત નામોશીભર્યો રહ્યો હતો. પહેલી વન-ડેમાં વિજય હાથવેંતમાં હોવા છતાં ટાઈમાં ખેંચી જવામાં શ્રીલંકાને સફળતા મળી હતી, તો બીજી અને ત્રીજી વન-ડેમાં ભારતના બેટર્સ શ્રીલંકાના સ્પિન બોલર્સ સામે સાવ વામણા પુરવાર થયા હતા.
ગયા સપ્તાહે બુધવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં તો ભારતનો 110 રને કારમો પરાજય થયો હતો અને એ સાથે શ્રીલંકાએ સીરીઝ 2-0થી જીતી લીધી હતી. આઘાતજનક હકીકત તો એ છે કે ભારતીય ટીમ ફક્ત 26.1 ઓવરમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમે ઉત્તરોતર વધુ સારો દેખાવ કર્યો હતો, તો તેનાથી સાવ ઉલટું ભારતીય ટીમનો દેખાવ ક્રમશઃ વધુ ને વધુ કંગાળ થતો ગયો હતો. શ્રીલંકાના ઓપનર અવિષ્કા ફર્નાન્ડોને પ્લેયર ઓફ ધી મેચ તથા ઓલરાઉન્ડર દુનિથ વેલ્લાલાગેને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.
શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતાં 7 વિકેટે 248 રન કર્યા હતા, તો તેના જવાબમાં ભારતીય ટીમ ફક્ત 26.1 ઓવર્સમાં 138 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના બોલર્સની વેધકતાની ધાર જાણે બુઠ્ઠી થઈ ગઈ હોય તેમ મોહમદ સિરાજે એક વિકેટ લઈ 9 ઓવરમાં 78 રન આપ્યા હતા, તો સૌથી સફળ બોલર, નવોદિત રીયાન પરાગે ત્રણ વિકેટ તો લીધી હતી, પણ 9 ઓવરમાં તેણે ય 54 રન આપ્યા હતા. એ સિવાય કુલદીપ યાદવ, અક્ષર પટેલ તથા વોશિંગ્ટન સુંદરે એક-એક વિકેટ લીધી હતી.
તેના જવાબમાં ભારતે શરૂઆત તો સારી કરી હતી, પણ પાંચમી ઓવરમાં શુભમન ગિલ ફક્ત છ રન કરી વિદાય થયો ત્યારે ટીમનો સ્કોર 37 રનનો હતો. સુકાની ઓપનર રોહિત શર્મા બીજી વિકેટ તરીકે 53 રને આઉટ થયો હતો અને એ પછી તો બાકીના ભારતીય બેટર્સ મદારીની બીન સામે સાપ નાચતા હોય તેમ શ્રીલંકાના સ્પિન બોલર્સ સામે તેમના તાલે નાચતા હતા અને આવન-જાવન કરતા હતા. રોહિત શર્માએ સૌથી વધુ 35, એ પછી વોશિંગ્ટન સુંદરે 30, વિરાટ કોહલીએ 20 અને રીયાન પરાગે 15 રન કર્યા હતા. વેલ્લાલાગેએ 5.1 ઓવરમાં ફક્ત 27 રન આપી પાંચ વિકેટ લીધી હતી. જો કે, અગાઉની મેચમાં તેને એકપણ વિકેટ નહોતી મળી, તો તેના બદલે વેન્ડરસેએ 10 ઓવરમાં ફક્ત 33 રન આપી 6 વિકેટ ખેરવી હતી.
શ્રીલંકાની ટીમે 27 વર્ષ પછી ઘરઆંગણે ઇતિહાસ સર્જ્યો હતો. 1997 પછી પહેલી વખત ભારત સામે ઘરઆંગણે દ્વિપક્ષી વન-ડે સિરીઝમાં શ્રીલંકાનો વિજય થયો હતો. અગાઉ ઑગસ્ટ 1997માં અર્જુન રણતુંગાના સુકાનીપદે શ્રીલંકન ટીમે ભારતને હરાવ્યું હતું.

LEAVE A REPLY