ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ 2036માં ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ ગેમ્સની યજમાની કરવા માટે વિધિવત રીતે પહેલી ઓક્ટોબરે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના ફ્યુચર હોસ્ટ કમિશનને લેટર ઓફ ઇન્ટેન્ટ લખ્યો હતો, એમ સૂત્રોને ટાંકીને મંગળવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. જો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી ભારતની દાવેદારીને મંજૂરી આપશે તો ગુજરાતના અમદાવાદમાં આ રમતોત્સવ યોજાશે.
2036માં ભારતમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનમાં ભારતે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રસંગોએ 2036 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સ ગેમ્સની યજમાનીમાં ભારતનો રસ દર્શાવ્યો છે. નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સ્વતંત્રતા દિવસની ઉજવણી પર પેરિસ ઓલિમ્પિક્સના ખેલાડીઓ સાથેની વાતચીતમાં મોદીએ તેમને 2036માં ઓલિમ્પિક્સ યોજવા માટે તેમના મંતવ્યો આપવા અનુરોધ કર્યો હતો.
2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાનીમાં રસ દર્શાવનાર 10 દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. નવેમ્બર 2022માં IOCએ ભારત સહિત આ દેશો સાથે ચર્ચા શરૂ કરી હતી. 2036ની ગેમ્સની યજમાનીમાં પ્રારંભિક રસ દાખવનાર 10 દેશોમાં મેક્સિકો (મેક્સિકો સિટી, ગુઆડાલજારા-મોન્ટેરી-તિજુઆના), ઇન્ડોનેશિયા (નુસાન્તારા), તુર્કી (ઇસ્તાંબુલ), ભારત (અમદાવાદ), પોલેન્ડ (વોર્સો, ક્રાકો), ઇજિપ્ત (ન્યુ એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ) અને દક્ષિણ કોરિયા (સિઓલ-ઇંચિયોન)નો સમાવેશ થાય છે.