(PTI11_03_2024_000126B)

સતત ત્રીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાના સપના જોતી ભારતીય ક્રિકેટ ટીમનો રવિવારે જ (3 નવેમ્બર) મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ અને સીરીઝમાં કારમો પરાજય થયો હતો. 24 વર્ષ પછી પહેલીવાર ભારતીય ટીમનો ઘરઆંગણે ટેસ્ટ સીરીઝમાં 0-3થી વાઈટવોશ સાથે શરમજનક પરાજય થયો હતો.

બેંગલુરૂમાં 16 ઓક્ટોબરે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પહેલા દિવસની રમત તો વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી અને પછી પહેલી ઈનિંગમાં ભારત ફક્ત 46 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતનો ટેસ્ટ ક્રિકેટમાં ઘરઆંગણે આ સૌથી ઓછો સ્કોરનો નવો રેકોર્ડ નોંધાયો હતો. એ પછી ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 402 રન કર્યા હતા અને 356 રનની મહત્ત્વની લીડ તેને મળી હતી. ભારતે બીજી ઈનિંગમાં 462 રન કર્યા હતા, જેમાં સરફરાઝ ખાનના 150 અને ઋષભ પંતના 99 મુખ્ય હતા. કોહલીએ 70 અને સુકાની રોહિત શર્માએ 52 કર્યા હતા. એકંદરે ન્યૂઝીલેન્ડને વિજય માટે 107 રનનો નજીવો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે બે વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. આ રીતે, પ્રથમ ટેસ્ટમાં ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો.

રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો, જે વરસાદથી અસરગ્રસ્ત વિકેટ કેવી રીતે વર્તશે તેના વિષેના અંદાજમાં તેણે મોટી થાપ ખાધી હોવાનો પુરાવો હતો.

એ પછી ભારતીય ટીમ મેનેજમેન્ટે પૂણેની બીજી તેમજ મુંબઈની ત્રીજી ટેસ્ટ મેચ માટે સ્પિન બોલિંગને મદદરૂપ થઈ શકે તેવી વિકેટ તૈયાર કરાવી હતી, પણ તેમાં ભારતીય બેટર્સ સાવ વામણા પુરવાર થયા હતા.

બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલી ઈનિંગમાં 259 રન કર્યા હતા, તેના જવાબમાં ભારતીય ટીમ ફક્ત 156 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી અને ન્યૂઝીલેન્ડને 103 રનની સરસાઈ મળી હતી. પ્રવાસી ટીમે બીજી ઈનિંગમાં 255 રન કર્યા હતા, તો ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એકંદરે ન્યૂઝીલેન્ડનો 113 રને વિજય થયો હતો.

તો મુંબઈ ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડે 235 રન કર્યા હતા, તેના જવાબમાં ભારતે 263 રન કર્યા હતા 28 રનની સરસાઈ લીધી હતી. એ પછી બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડને ફક્ત 174 રનમાં ભારતીય બોલર્સે ઓલઆઉટ કરી દીધું હતું. ભારત સામે ફક્ત 147 રનનો વિજયનો ટાર્ગેટ હતો પણ ટીમ 29.1 ઓવર્સમાં 121 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી અને ન્યૂઝીલેન્ડનો 25 રને વિજય થયો હતો.

LEAVE A REPLY