બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની લોકો ઢાકામાં ઉજવણી કરી રહ્યાં છે. REUTERS/Mohammad Ponir Hossain

બાંગ્લાદેશમાં શેખ હસીનાના વડાપ્રધાન તરીકે હાકલપટ્ટી પછી હવે દેશમાં મિલિટરી અને ઇસ્લામિક કટ્ટરવાદીઓ મજબૂત થવાની ધારણા છે, તેઓ પાકિસ્તાન અને ચીનના ઇશારે કામ કરીને ભારતમાં આતંકવાદ અને ધુસણખોરી જેવી સમસ્યામાં વધારો કરી શકે છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર પણ અત્યાચારમાં વધારો થવાની પૂરી શક્યતા છે.

ભારતના સાંસદોએ સરકારને અત્યારની સ્થિતિમાં બાંગ્લાદેશમાં રહેતા ભારતીયો અને હિન્દુઓના હિતોનું રક્ષણ કરવાનો અનુરોધ કર્યો હતો. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “સરકાર બાંગ્લાદેશમાં રહેતા ભારતીયોના હિતનું ધ્યાન રાખશે એવી આશા છે. બાંગ્લાદેશની સ્થિતિ એટલા માટે ચિંતાજનક છે કારણ કે તે ભારતનું બહુ જૂનું સાથી છે અને તેની વૃદ્ધિ યોગ્ય દિશામાં હતી.” ભાજપના નેતા બ્રિજમોહન અગરવાલે જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશની સ્થિતિને જોતાં સરકાર યોગ્ય પગલાં લેશે. તે આપણું પાડોશી હોવાથી ત્યાંની ઘટનાઓની આપણા દેશ પણ અસર થાય છે.”

બીજુ જનતા દળ (બીજેડી)ના નેતા સસ્મિત પાત્રાએ જણાવ્યું હતું કે, “અમારો પક્ષ આ મુદ્દે ભારત સરકારના વલણને ટેકો આપશે. બાંગ્લાદેશની સ્થિતિ ચિંતિત કરાવનારી છે. સરકાર નિશ્ચિતપણે તેને ધ્યાનમાં લેશે.” સીપીઆઇ(એમ)ના નેતા વી સિવદાસને દાવો કર્યો હતો કે, “બાંગ્લાદેશની હાલની સ્થિતિ માટે આર્થિક કટોકટી જવાબદાર છે. સરકાર યુવાઓને રોજગારી આપી શકી નથી.” સીપીઆઇના નેતા પી સંતોષ કુમારે શેખ હસીનાની સરકારને ‘આપખુદ’ ગણાવી હતી અને રાજીનામાને આવકાર્યું હતું.

LEAVE A REPLY