
ભારતના શૂટર્સે પેરુના લિમા ખાતે આઈએસએસએફ વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કર્યો હતો. રૂદ્રાંક્ષ પાટિલ અને આર્યા બોર્સેની મિક્સ્ડ ડબલ્સની જોડીએ 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ તથા અર્જૂન બબૂતાએ પુરૂષોની 10 મીટર એર રાઈફલમાં બીજું સ્થાન સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટમાં રૂદ્રાંક્ષ અને આર્યાનો જોન હરમેન હેગ તથા જેનેટ હેગ ડ્યુસ્ટેડની નોર્વેની જોડી સામે ફાઈનલમાં 11-17થી પરાજય થયો હતો. ભારતના ટ્રેપ શૂટર્સ પ્રભાવી દેખાવ કરી શક્યા નહોતા. અર્જૂન બબૂતાએ પુરૂષોની 10 મીટર એર રાઈફલની રોમાંચક ફાઈનલમાં ચીનના શેંગ લિહાઓને ટક્કર આપી હતી. જો કે, અંતે માત્ર 0.1 પોઈન્ટ્સથી તેને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. બબૂતાનો સ્કોર 252.3 જ્યારે ચીનના ગોલ્ડ મેડલ વિજેતા શૂટરનો સ્કોર 252.4 રહ્યો હતો.
તે અગાઉ ભારતની યુવા શૂટર સુરૂચી ઈન્દર સિંઘે બે ગોલ્ડ મેડલની સિદ્ધી નોંધાવી હતી. 10 મીટર એર પિસ્તોલમાં સુરૂચીએ ગોલ્ડ હાંસલ હતો જ્યારે પેરિસ ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકરે સિલ્વર પ્રાપ્ત કર્યો હતો. એ પછી સુરૂચી અને સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેળવ્યો હતો.
