(ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં બોર્ડર – ગાવસ્કર ટ્રોફી માટેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝનો શાનદાર વિજય સાથે આરંભ કર્યો હતો. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે સોમવારે (25 નવેમ્બર) ચોથા દિવસે જ ઓસ્ટ્રેલિયાને 295 રને હરાવી ઓસ્ટ્રેલિયા સામે તેના જ ઘરઆંગણે સૌથી વધુ રનના તફવાતે વિજયનો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. પર્થ ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતની પ્રથમ ઈનિંગ પુરી થઈ ત્યાં સુધી ભારતનો દેખાવ નબળો મનાતો હતો, એ પછી ભારતે ઓસ્ટ્રેલિયા ઉપર પ્રભુત્ત્વ જમાવ્યું હતું અને સતત જાળવી રાખ્યું હતું. ભારત તરફથી યુવાન ઓપનર યશસ્વી જયસ્વાલ અને પીઢ બેટર વિરાટ કોહલીએ સદીઓ ફટકારી હતી, તો કે. એલ. રાહુલે પણ 77 રનનો મહત્ત્વનો ફાળો બીજી ઈનિંગમાં આપ્યો હતો. પ્રથમ ટેસ્ટના સુકાની, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તેની વેધક બોલિંગ અને મેચમાં કુલ 8 વિકેટના શાનદાર પરફોર્મન્સ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. બુમરાહે પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની પાંચ વિકેટ ખેરવી ભારતીય ટીમને મહત્ત્વની 46 રનની સરસાઈ લેવામાં મુખ્ય ફાળો આપ્યો હતો.

બુમરાહે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો, પણ પહેલી ઈનિંગમાં તો ભારત 49.4 ઓવરમાં ફક્ત 150 રનમાં ઓલાઉટ થઈ ગયું હતું. પહેલી જ ટેસ્ટ રમી રહેલા નવોદિત નિતિશ રેડ્ડીએ સૌથી વધુ 41 તથા ઋષભ પંતે 37 તથા કે. એલ. રાહુલે 26 રન કર્યા હતા. તે સિવાય ફક્ત ધ્રુવ જુરેલ 11 રન કરી બે આંકડે પહોંચી શક્યો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 29 રનમાં ચાર તથા મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને મિચેલ માર્શે બે-બે વિકેટ લીધી હતી.
જો કે એ પછી બુમરાહની વેધક બોલિંગના પગલે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે ફક્ત 27 ઓવરમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોરબોર્ડ ઉપર ફક્ત 67 રન હતા. બીજા દિવસે પણ ઓસ્ટ્રેલિયાનો કંગાળ દેખાવ જારી રહ્યો હતો અને 79 રને તો ટીમે 9મી વિકેટ ગુમાવી દીધી હતી. એ પછી છેલ્લી વિકેટની ભાગીદારીમાં સ્ટાર્ક અને હેઝલવુડે 25 રન ઉમેરતા ટીમ ત્રણ આંકડાના સ્કોરે, 104 રન સુધી પહોંચી હતી.

ભારતે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના બોલર્સને બરાબરના હંફાવ્યા હતા અને ઓપનિંગમાં જયસ્વાલ – રાહુલે 201 રનની ભાગીદારી કરી હતી. જયસ્વાલે શાનદાર 161 રન તથા વિરાટ કોહલીએ અણનમ સદી કરી હતી, તો રાહુલના 77 ઉપરાંત નિતિશકુમાર રેડ્ડીએ બીજી ઈનિંગમાં પણ અણનમ 38 રન કર્યા હતા. એકંદરે ભારતે 6 વિકેટે 487 રને ઈનિંગ ડીકલેર કરી હતી અને ઓસ્ટ્રેલિયાને વિજય માટે 534 રનનો જંગી ટાર્ગેટ આપ્યો હતો. ફરી, રવિવારની ત્રીજી દિવસના રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઈનિંગમાં ફક્ત 4.2 ઓવરમાં 12 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા દિવસે ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ તથા એલેક્સ કેરીએ થોડો પ્રતિકાર કર્યો હતો, પણ એકંદરે 58.4 ઓવરમાં 238 ઓવરમાં ટીમ ઓલાઉટ થઈ ગઈ હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો પર્થમાં રમાયો હતો. મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ તેની બીજી ઈનિંગમાં બેટિંગમાં ઊતરી હતી. ટીમ ઈન્ડિયાના પહાડ જેવા લક્ષ્ય 534 રન સામે કાંગારૂ બેટર લાચાર દેખાયા હતા અને ટીમ ઇન્ડિયાએ પહેલી ટેસ્ટ જીતીને જ પોતાની તાકાત બતાવી દીધી હતી. આ સાથે ફરી એકવાર WTC પોઈન્ટ ટેબલમાં ભારત નંબર-1 બની ગયું છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયા ટીમે હારનો સ્વાદ ચાખ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 150 રન બનાવ્યાં હતા જેની સામે ઓસ્ટ્રેલિયન ટીમ 104 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ અને કોહલીની સદીના સહારે ટીમ ઈન્ડિયાએ 487 રનનો વિશાળ સ્કોર બનાવીને અગાઉની 46 રનની લીડ ઓસ્ટ્રેલિયાને 534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે કાંગારૂઓની ટીમ 238 રન બનાવ્યા. બંને ઈનિંગ્સમાં મળીને કુલ 8 વિકેટો ઝડપનારા જસપ્રીત બુમરાહને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો દાવ માત્ર 238 રન પર જ સમેટાઈ ગયો હતો. આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં 295 રને વિજય મેળવ્યો. આ વિજય ઘણી બધી રીતે ઐતિહાસિક અને ખાસ છે. કારણ કે આ ટેસ્ટમાં ભારત ટીમના રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલની ગેરહાજરીમાં રમ્યું હતું. ઉપરાંત પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અગાઉ ક્યારેય મેચ હાર્યું નહોતું. આ મેચ જીતતાંની સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ફરીથી નંબર વન બની ગયું છે.

ઓપ્ટસ સ્ટેડિયમમાં અગાઉ ચાર મેચ જીત્યા બાદ પાંચમી મેચ ઓસ્ટ્રેલિયા હારી ગયું. નોંધનીય વાત એ છે કે ટીમ ઈન્ડિયામાં ન તો રોહિત શર્મા, ન શુભમન ગિલ, ન રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન કે ન તો મોહમ્મદ શમી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક જીત નોંધાવી. 2021માં ગાબા ખાતે ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડ્યા બાદ હવે ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડ્યું છે. આ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાએ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ચાર ટેસ્ટ રમી હતી અને તે તમામ જીતી હતી. હવે ઓસ્ટ્રેલિયાને પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

LEAVE A REPLY