ભાલા ફેંકમાં સુમિત એન્ટિલે પોતાનો જ પેરાલિમ્પિક્સનો રેકોર્ડ બે વખત તોડી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો (ANI Photo/The Khel India-X)

પેરિસમાં ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં સોમવારનો પાંચમો દિવસ ભારત માટે યાદગાર બની રહ્યો હતો, સોમવારે ભારતે એક જ દિવસમાં બે ગોલ્ડ સહિત 8 મેડલ હાંસલ કર્યા હતા, જેમાં ભાલા ફેંકમાં સુમિત એન્ટિલે પોતાનો જ પેરાલિમ્પિક્સનો રેકોર્ડ બે વખત તોડી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, તો બેડમિંટનમાં નિતેશ કુમારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. એકંદરે, ભારતની મેડલ્સની સંખ્યા સોમવારે 15ની થઈ હતી અને તે 15મા ક્રમે પહોંચ્યું હતું.

સોમવારે ભારત માટે યોગેશ કથુનિયાએ પુરૂષોની ડિસ્કસ થ્રો (ચક્ર ફેંક) માં 42.22 મીટરના અંતર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. યોગેશ ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ તેણે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.

નિતેશ કુમારે ગોલ્ડ મેડલના મુકાબલામાં બ્રિટનના ડેનિયલ બેથેલને રસાકસીભર્યા જંગમાં 21-14, 18-21, 23-21થી હરાવ્યો હતો. નિતેશનો બેથેલ સામે 10મા મુકાબલામાં આ પહેલો વિજય રહ્યો હતો. મહિલા બેડમિંટનમાં SU5 વર્ગમાં મનિષા રામાદાસે ડેન્માર્કની કેથરિન રોસેનગ્રેનને 21-12, 21-8થી હરાવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેણે આ મુકાબલો ફક્ત 25 મિનિટમાં પુરો કરી નાખ્યો હતો. એ જ વર્ગમાં થુલસીમથી મુરૂગેસને ચીનની ડીફેન્ડીંગ ચેમ્પિયન યાંગ કીયુક્સી સામેના મુકાબલામાં સીધા સેટ્સમાં પરાજય પછી સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.

પુરૂષોની SL4 વર્ગની બેટમિંટનમાં સુહાસ તિર્થરાજે પણ ફાઈનલમાં ફ્રાન્સના લુકાસ માઝુર સામેના મુકાબલામાં પરાજય સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ આર્ચરી (તિરંદાજી)માં શિતલ દેવી અને રાકેશ કુમારે બ્રોન્ઝ મેડલ, મહિલા બેડમિંટનના SH6 વર્ગમાં નિથ્યા શ્રી સિવાને ઈન્ડોનેશિયાની રીના માર્લિનાને હરાવી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.

અન્ય મેડલ વિજેતાઓમાં મહિલા એથ્લેટ પ્રીતિ પાલે 200 મીટર દોડ (T35) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ, મહિલા શૂટિંગમાં અવનિ લેખારાએ R2 10 મીટર એર રાઈફલ (SH1) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે હાંસલ કર્યો હતો. મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અવનિ ટોક્યો પેરાલિમ્પિક્સ (2020)માં પણ આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ વિજેતા રહી હતી.

શૂટર મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)માં સિલ્વર, મહિલા શૂટર રૂબિના ફ્રાન્સિસે 10 મીટર એર પિસ્તોલ (SH1)માં બ્રોન્ઝ મેડલ અને નિષાદ કુમારે હાઈ જમ્પ T47 સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા.

સોમવારના અંતે મેડલ્સ ટેબલ

ક્રમ   દેશ          ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ      કુલ

1          ચીન                43       30           14                   87

2          ગ્રેટ બ્રિટન     29       15           10                   54

3          અમેરિકા         13       19           10                   42

4          બ્રાઝિલ           12       8              18                   38

15       ભારત             3          5               7        15

LEAVE A REPLY