પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવ અભૂતપૂર્વ અને ઓલિમ્પિકના ઇતિહાસમાં અનોખી રીતે યોજાયેલા ઉદ્ધાટન સમારંભ સાથે ગયા સપ્તાહે શુક્રવારે ખુલ્લો મુકાયો હતો. અત્યાર સુધીની તમામ સમર કે વિન્ટર ઓલિમ્પિક્સનો ઉદ્ઘાટન સમારંભ સ્ટેડિયમમાં થતો હોય છે પણ પેરિસ ઇતિહાસનું પ્રથમ એવું યજમાન બન્યું કે તેણે ઉદ્ઘાટન સમારંભ પેરિસની સંસ્કૃતિનો હાર્દ મનાતી સીન નદીના વહેણમાં બોટ પરેડ દ્વારા આયોજિક કર્યો હતો.
સીન નદીના ૬ કિલોમીટરના વહેણમાં વારાફરતી બોટ પસાર થતી હતી અને તે બોટમાં આલ્ફાબેટ પ્રમાણે જે તે દેશની ટીમ અને અધિકારીઓ સવાર હતા. દરેક બોટને ૬ કિલોમીટરનો જળમાર્ગ પુરો કરતાં ૪૫ મિનિટ જેટલો સમય લાગતો હતો.
આ સમગ્ર જળમાર્ગની બહાર નદી કિનારે (રીવરફ્રન્ટ) સ્ટેડિયમની જેમ જુદા જુદા બ્લોકમાં પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા હતી અને આવા ત્રણેક લાખ પ્રેક્ષકો બોટમાં સવાર ટીમનું અભિવાદન ઝીલતા હતા. ચાર કલાકના આ ઉદ્ધાટન કાર્યક્રમમાં ૧૦૦થી વધુ બોટનો ઉપયોગ કરાયો હતો.
વિશ્વના ૨૦૬ દેશોના ખેલાડીઓને પરેડ કરાવવા ૬ કિલોમીટર જળમાર્ગમાં ૧૦૦ બોટના બે રાઉન્ડથી વધુ થયા હતા. શબ્દોમાં વર્ણવી શકાય નહીં અને ”જોઈએ તો જ માની શકાય” તે કહેવતને યથાર્થ ઠરાવતા હોય તેવા આ દ્રષ્યો હતા. ઉદ્ધાટનના પ્રારંભના બે કલાક સૂર્યપ્રકાશ હતો અને તે પછીના બે કલાક સૂર્યાસ્ત અને તે પછી અંધકારમાં ઝળાહળા રોશનીમાં સમારંભ યોજાયો હતો.
સીન નદી પરથી બોટ પસાર થાય અને ત્યાંનો ઝગમગાટ તો બીજી તરફ રીવરફ્રન્ટ પરની પ્રેક્ષક દીર્ધામાં પણ લાઇટિંગ નયનરમ્ય હતું. આ સમગ્ર છ કિલોમીટર વિસ્તારમાં જગવિખ્યાત લુવર મ્યુઝિયમ, નોટ્રે ડેમ ચર્ચ અને એફીલ ટાવર સહિત ઐતિહાસિક સ્મારકો અને સ્થાપત્યો આવેલા છે. આ તમામ પર અલગ અલગ રોશની હતી.

LEAVE A REPLY