ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ (ANI Photo)

હમાસને સમર્થન બદલ અમેરિકામાં ભારતના બે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીને પગલે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકામાં અભ્યાસ કરતાં ભારતના વિદ્યાર્થીઓએ અમેરિકન કાયદાનું પાલન કરવું જોઇએ. અમેરિકામાં ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટ કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓને મદદ કરશે. પરંતુ આ બે ભારતીયોએ મદદ માટે અમેરિકામાં ભારતીય મિશનનો સંપર્ક કર્યો ન હતો.

વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીના પોસ્ટડોક્ટરલ ફેલો બદર ખાન સુરીની સોમવારે રાત્રે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે હમાસનો પ્રચાર કરવા બદલ ધરપકડ કરી હતી અને તેના દેશનિકાલની કાર્યવાહી ચાલુ કરી હતી. જોકે ફેડરલ જજે દેશનિકાલ પર સ્ટે મૂક્યો હતો. આ પહેલા હમાસને સમર્થન આપવા બદલ કોલંબિયા યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થી રંજની શ્રીનિવાસના વિઝા રદ કરાયાં હતાં અને તેને અમેરિકા છોડીને કેનેડા જવું પડ્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જમાવ્યું હતું કે વિઝા અને ઇમિગ્રેશન નીતિની વાત આવે છે, ત્યારે તે સંબંધિત દેશના સાર્વભૌમ કાર્યોમાં રહેલી છે. ભારતમાં આવતા વિદેશી નાગરિકો ભારતના કાયદા અને નિયમોનું પાલન કરે તેવી આપણે અપેક્ષા રાખતા હોઈ છે. તેવી રીતે ભારતીય નાગરિકો વિદેશમાં હોય છે, ત્યારે તેમણે સ્થાનિક કાયદા અને નિયમોનું પણ પાલન કરવું જોઈએ.

LEAVE A REPLY