ભારતના વિદ્યાર્થીઓ માટે દાયકાઓથી અમેરિકા ઉજ્જવળ તકોની ભૂમિ રહી છે. ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓ વિશ્વ સ્તરનું શિક્ષણ મેળવી તેજસ્વી કારકિર્દી શરૂ કરતા રહ્યા હતા. હવે જો કે, ટ્રમ્પ વહીવટીતંત્રે કડક ઇમિગ્રેશન નીતિનો અમલ કરતાં સંખ્યાબંધ લોકો માટે અમેરિકી સપનું પડકારરૂપ બની ગયું છે. એક તરફ વિઝા નકારી કાઢવાનું ચલણ વધ્યું છે, તો વર્ક પરમિટની અનિશ્ચિતતાની સાથોસાથ કાર્યના સ્થળે તપાસો પણ વધી છે. ગયા વર્ષથી જ અમેરિકાએ ભારતીયોને અપાતા એફ-1 સ્ટુડેન્ટ વિઝાની સંખ્યા ઘટી છે.
કોરોના પછી અમેરિકામાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હતો. પરંતુ 2024માં તેમાં મોટો ઘટાડો નોંધાયો હતો. વિદ્યાર્થીઓ એમ પણ કહી રહ્યા છે કે નવી ઇમિગ્રેશન સિસ્ટમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને બાજુ પર રાખીને સ્થાનિકોને નોકરી આપવા તરફ ધ્યાન આપે છે. આ મુદ્દે પણ વિદ્યાર્થીઓ ચિંતિત છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી સ્થાનિકોને નોકરીમાં પ્રાધાન્ય અપાય છે. તે સંજોગોમાં નોકરીદાતાઓ માટે વિઝા સ્પોન્સરશિપ પણ મુશ્કેલ બની છે. કેટલાક વિદ્યાર્થી ગયા વર્ષથી નોકરી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમાં સફળતા મળતી નથી.
અમેરિકી અધિકારીએ હવે તો વર્કપ્લેસ પર પહોંચીને વિદ્યાર્થીને તેનું ઓળખપત્ર અને કામ કરવા મળેલી મંજૂરીનો દસ્તાવેજ ચકાસે છે. ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગના કિસ્સામાં વિદ્યાર્થીઓને ચોક્કસ સમયની મુદત માટે કામ કરવાની છૂટ હોય છે. એફ-1 વિઝા પર આવેલા વિદ્યાર્થી સપ્તાહમાં માત્ર 20 કલાક ઓન કેમ્પસ જોબ કરી શકે છે. પરંતુ ઘરથી દૂર રહેતા વિદ્યાર્થી વધારાના થોડા નાણાં કમાઈ લેવા આ નિયમનો કેટલીકવાર ભંગ કરતા હોય છે. ઓફ કેમ્પસ પાર્ટ ટાઇમ જોબનું નિયંત્રણ કરી રહેલા નવા નિયમો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને મૂંઝવે છે.

LEAVE A REPLY