ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની જાણીતી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ માટે શનિવારે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. 19મી ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને દુબઇમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં રોહિત શર્મા ટીમનું સુકાન સંભાળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિએ જાહેર કરેલી ટીમમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત આ ટુર્નામેન્ટમાં તેની તમામ મેચ દુબઈમાં રમશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાની ના કહી હતી, ત્યારબાદ ICCએ હાઇબ્રિડ મોડલની ફોર્મ્યુલા અપનાવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમો ભાગ લેશે, જેને ચારના બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજમાં 12 મેચો રમાશે જે બાદ સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે અને બંને વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ 9 માર્ચે રમાશે.
નવી ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.