ભારતીય મૂળના 28 વર્ષીય સિંગાપોરના નાગરિકને નેશનલ સર્વિસની ફરજ પૂર્ણ ન કરવા બદલ જેલની સજા ફટકારવામાં આવી હતી. તેણે વિઝાની મુદ્દત પૂર્ણ થયા પછી પણ ભારતમાં રહીને ફરજિયાત નેશનલ સર્વિસ (NS)ની ફરજો પૂર્ણ કરી ન હોવાથી 14 અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેણે આ સજાની સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જે ફગાવવામાં આવતા હવે કેદ ભોગવવી પડશે. તાજેતરમાં હાઇકોર્ટની એક પેનલે નરેશકુમાર નાગેશ્વરનના એ દાવાને ફગાવ્યો હતો કે, તેને એ જાણ નહોતી કે તેણે ભારતમાં અભ્યાસ અર્થે માટે રહેવા માટે એક્ઝિટ પરમિટ લેવાની જરૂર છે. કારણ કે તેમની સ્વર્ગસ્થ માતા 2018ના અંત સુધી સેન્ટ્રલ મેનપાવર બેઝ (CMPB) સેન્ટર સાથેના તમામ પત્રવ્યવહાર કરતી હતી.

હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરેશ મેનન, ન્યાયમૂર્તિ તાય યોંગ ક્વાંગ અને ન્યાયમૂર્તિ વિન્સેન્ટ હૂંગની પેનલે નાગેશ્વરનને 14 અઠવાડિયાની જેલની સજા ફટકારવાના નીચલી કોર્ટના ચુકાદાને બહાલી આપી હતી. સિંગાપોરમાં જન્મેલા નાગેશ્વરન 2004માં સાત વર્ષની ઉંમરે તેની માતા અને બહેન સાથે ભારત ગયા હતા. ધ સ્ટ્રેટ ટાઇમ્સ અખબારના રીપોર્ટ પ્રમાણે, કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, તેના સિંગાપોર નિવાસી પિતાએ તેમના આ પરિવારને ત્યજી દીધો હતો.

2009માં, જ્યારે તેની ઉંમર 13 વર્ષની થઇ ત્યારે સિંગાપોરમાં તેના છેલ્લા જાણીતા સરનામે તેને સર્વિસની ફરજ બજાવવા વિશે જાણ કરવા એક નોટિસ મોકલાઇ હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, જો તે ત્રણ મહિનાથી વધુ સમય માટે વિદેશમાં રહેવા ઇચ્છે છે તો તેણે એક્ઝિટ પરમિટ લેવા માટે અરજી કરવી પડશે.
પછી નાગેશ્વરને સતત બે વાર એક્ઝિટ પરમિટ મેળવીને સિંગાપોરની બહાર રહ્યા હતા. તેઓ 7 એપ્રિલ, 2019ના રોજ સિંગાપોર પરત આવ્યા ત્યારે એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. પછી તેમણે તે વર્ષના અંતમાં તેમની નેશનલ સર્વિસ શરૂ કરી હતી.

 

LEAVE A REPLY