4 મિલિયન પાઉન્ડથી વધુ કિંમતના કોકેઇન અને હેરોઈનની હેરાફેરીના મુખ્ય સૂત્રધાર એવા ભારતીય મૂળના એક શખ્સને 18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
નેશનલ ક્રાઇમ એજન્સી (NCA)ને ફોનના ગુપ્ત મેસેજીસમાંથી આ શખ્સ વિશે માહિતી મળી હતી. ચીમના રહેવાસી 49 વર્ષીય હીમલ વૈદ નામના શખ્સે ડ્રગ્સના સોદામાં દલાલી કરવા માટે એન્ક્રોચેટ (ગુનેગારો માટેની એક એન્ક્રિપ્ટેડ ફોન સર્વિસ) નો ઉપયોગ કર્યો હતો. જોકે, તે જાણતો નહોતો કે 2020માં ઇન્ટરનેશનલ પોલીસની ટીમ આ એન્ક્રોચેટના એન્ક્રિપ્શન સુધી પહોંચી જશે. “સ્ટાર્કકેક” ના ખોટા નામે હીમલ વૈદ દ્વારા આપ-લે કરાયેલા હજારો અજાણ્યા મેસેજીસ NCAને મોકલવામાં આવ્યા હતા, જેના કારણે ઓપરેશન વેનેટિકનો પ્રારંભ થયો હતો, જે ઇન્ટરનેશનલ સાથીઓ દ્વારા એન્ક્રોચેટને દૂર કરવામાં યુકે તરફની કાર્યવાહી હતી. એજન્સીએ આ મેસેજીસની ઊંડી તપાસ કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે સ્ટાર્કકેક એ 2020માં એક મહિના દરમિયાન બ્રાઝિલથી 3.6 મિલિયન પાઉન્ડની કિંમતના 96 કિલો કોકેઇન અને દર અઠવાડિયે નેધરલેન્ડ્સથી 15 કિલો સુધીના વધુ જથ્થાને મંગાવવાનું આયોજન કર્યું હતું. મેસેજીસમાંથી જાણવા મળ્યું કે, સ્ટાર્કકેક દ્વારા યુકેમાં 20 કિલો હેરોઈન અને 1 કિલો કોઇકેન મોકલવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતે પોલીસે એપ્રિલ 2024માં હીમલ વૈદની તેના ઘરેથી ધરપકડ કરી હતી. એજન્સી દ્વારા એકત્ર કરાયેલા પુરાવા એટલા મજબૂત હતા કે હીમલ વૈદે ડ્રગ્સના 12 અને બ્લેકમેઇલ કરવાના કાવતરાના આરોપો સ્વીકારી લીધા હતા.
