સિંગાપોરમાં 25 વર્ષીય ભારતીય મૂળના એક શખ્સને પોતાના પિતા પર હુમલો કરવાના કેસમાં અને એક મહિલાની છેડતી કરવા બદલ જુદા જુદા ગુનામાં દોષિત ઠેરવીને એક વર્ષ, પાંચ મહિના અને છ સપ્તાહની જેલની સજા ફટકારવામાં આવી હતી. સ્થાનિક અખબાર-સ્ટ્રેઇટ્સ ટાઇમ્સના રીપોર્ટ મુજબ અર્જુન રવિ નામના આ શખ્સે તેના 64 વર્ષીય પિતા સાથે મારામારી કરી હતી. તેને ખબર હતી કે, 10 મેના રોજ પોલીસ અધિકારીઓ તેમના એપાર્ટમેન્ટ યુનિટ (ફ્લેટ)માં જવાની રાહ જોઈ રહ્યા હતા તેમ છતાં તેણે આ કૃત્ય કર્યું હતું. પછી પોલીસે અર્જુનની ધરપકડ કરી હતી અને પિતાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને નાકમાં ફ્રેક્ચર સહિત અનેક ઈજા થઇ હોવાનું જણાયું હતું. નવેમ્બર 2023માં તેણે લિટલ ઈન્ડિયા એન્ક્લેવમાં 24 વર્ષીય મહિલાની છેડતી પણ કરી હતી. ડેપ્યુટી પબ્લિક પ્રોસીક્યુટર (ડીપીપી) ઝોઉ યેંગે કોર્ટને જણાવ્યું કે, અર્જુન 10 નવેમ્બર, 2023 ના રોજ રાત્રે 9 કલાકના અરસામાં બફેલો રોડ વિસ્તારમાં એક મહિલાની છેડતી કરીને ફરાર થઇ ગયો હતો.