અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં રોડ રેજની ઘટનામાં 29 વર્ષીય નવવિવાહિત ભારતીય મૂળના પુરુષને તેની પત્નીની સામે ગોળી મારીને હત્યા કરાઈ હતી. ગેવિન દસૌર તેની મેક્સિકન પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ટ્રક ડ્રાઈવર અને દસૌર વચ્ચે રોડ-રેજની ઘટના પછી ફાયરિંગ થયું હતું. દસૌર બ્લેક હાન્ડા ચલાવી રહ્યાં હતા. શંકાસ્પદ શૂટરનેઘટનાસ્થળે અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
ઇન્ડિયાનાપોલિસ પોલીસ ડિપાર્ટમેન્ટ (IMPD) ઓફિસર અમાન્ડા હિબમેને જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે મંગળવારે રાત્રે 8 વાગ્યા પછી ઇન્ડી શહેરના દક્ષિણપૂર્વ વિસ્તારમાં ઇન્ટરસેક્શન રોડ પર ફાયરિંગનો કોલ આવ્યો હતો. અધિકારીઓએ પહોંચતા તેમને રસ્તાની વચ્ચે જમીન પર એક માણસ મળ્યો હતો, જેને ઓછામાં ઓછા એક ગોળી વાગી હતી.
ગેવિન દસૌર આગ્રાના વતની હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે હજુ બે સપ્તાહ પહેલા વિવિયાના ઝમોરા સાથે 29 જૂનના રોજ લગ્ન કર્યા હતાં.