સિંગાપોર એરલાઇન્સ (SIA)ની અમેરિકાથી સિટી-સ્ટેટ(સિંગાપોર) જઇ રહેલી ફ્લાઇટમાં ચાર મહિલા કેબિન ક્રૂની છેડતી કરવા બદલ 73 વર્ષીય ભારતીય નાગરિકને તાજેતરમાં નવ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. સ્ટ્રેટ ટાઇમ્સના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, બાલાસુબ્રમણ્યન રમેશ નામના વૃદ્ધે છેડતીના ચાર ગુના સ્વીકાર્યા હતા. તેમણે ગત વર્ષે 18 નવેમ્બરના રોજ ફ્લાઇટની મુસાફરી દરમિયાન ચાર અલગ અલગ સમયે એક પીડિતાની છેડતી કરી હતી. જ્યારે વધારાના ત્રણ આરોપો વિચારણા હેઠળ છે.
ભારતની એક બેંકમાં ભૂતપૂર્વ મેનેજર રહેલા આ વૃદ્ધની ઉંમર 50 વર્ષથી વધુ હોવાથી તેમને કોરડા ફટકારી શકાતા નથી. છેડતીના દરેક ગુના માટે ગુનેગારને ત્રણ વર્ષ સુધીની જેલ સજા, દંડ અથવા કોરડા મારવાની સજા થઇ શકે છે, અથવા આ પ્રકારની કોઈપણ સજા થઇ શકે છે. સાન ફ્રાન્સિસ્કોથી સિંગાપોરની 14 કલાક મુસાફરી દરમિયાન બાલાસુબ્રમણ્યને ચાર મહિલાઓની છેડતી કરી હતી. આ ફલાઇટ જ્યારે સાંજે 6.45 કલાકના અરસામાં ઉતરી ત્યારે ફ્લાઇટ સુપરવાઇઝરે SIA કંટ્રોલ સેન્ટરને આ ઘટના અંગે જાણ કરી હતી, તેમણે પછી સિંગાપોર પોલીસને માહિતી આપી હતી. પોલીસે મોડેથી બાલાસુબ્રમણ્યનની ધરપકડ કરી હતી અને 25 નવેમ્બર, 2024ના રોજ કોર્ટમાં તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો. દેશના ડેપ્યુટી પબ્લિક પ્રોસીક્યુટર એશ્લી ચિને કોર્ટને બાલાસુબ્રમણ્યનને એક વર્ષ અને છ મહિના સુધીની જેલની સજા ફટકારવા વિનંતી કરીને ભારપૂર્વક જણાવ્યું કે, તેમણે ચાર પીડિતાઓની છેડતી કરી હતી. જ્યારે વૃદ્ધના વકીલ રેઝવાના ફૈરુઝે ટૂંકી સજાની માગણી કરીને ભારપૂર્વક જણાવ્યું કે, તેમના અસીલે આચરેલા ગુનાઓમાં શારીરિક સંબંધનો સમાવેશ થતો નથી.

LEAVE A REPLY