એક અનોખી પ્રેમ કહાનીમાં ભારતીય યુવકને પાકિસ્તાનમાં જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાનો રહેવાસી ૩૦ વર્ષીય યુવક ફેસબુક પર એક યુવતી સાથે થયેલી મિત્રતા પછી લગ્ન કરવાની ઇચ્છામાં ગેરકાયદે રીતે પાકિસ્તાન પહોંચી ગયો હતો. આ યુવકની ત્યાં ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે તે જેલમાં છે. આ યુવતીએ સ્થાનિક પોલીસને જણાવ્યું હતું કે, તે એ યુવક સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી. બાદલ બાબુ નામના આ યુવકની તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંડી બહાઉદ્દીન જિલ્લા (લાહોરથી અંદાજે 240 કિ.મી. દૂર)માં દેશમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
બાદલે ફેસબુક ફ્રેન્ડને મળી તેની સાથે લગ્ન કરવા ગેરકાયદે સરહદ પાર કરી હતી. પોલીસે આ 21 વર્ષીય યુવતી- સના રાનીનું નિવેદન નોંધ્યું છે. તેણે જણાવ્યું હતું કે તે બાબુ સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી. પંજાબ પોલીસના અધિકારી નાસીર શાહે જણાવ્યું હતું કે, સના રાનીએ પોલીસને કહ્યું હતું કે બાદલ અને તે છેલ્લા અઢી વર્ષથી ફેસબુક પર મિત્રો છે. પરંતુ તે તેની સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી. નાસીર શાહે વધુમા જણાવ્યું હતું કે, બાબુ ગેરકાયદે રીતે સરહદ પાર કરીને સના રાનીના મોંગ ગામ પહોંચી ગયો હતો. જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ લગ્ન નહીં કરવા અંગે રાની પર કોઇ દબાણ હતું કે નહીં તે અંગે વધુ કોઇ માહિતી બહાર આવી નથી.
ધરપકડ પછી બાબુએ પોલીસને પોતાની પ્રેમકહાની સંભળાવી હતી. બાબુની પાકિસ્તાનના ફોરેન એક્ટની કલમ 13 અને 14 મુજબ ધરપકડ થઇ હતી, કારણ કે તે કાયદેસરના ડોક્યુમેન્ટસ વગર પાકિસ્તાન ગયો હતો. બાબુને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો અને હવે આ કેસની વધુ સુનાવણી 10 જાન્યુઆરીએ થશે. અગાઉ પણ બંને દેશોના યુવક-યુવતીઓ વચ્ચેના પ્રેમસંબંધ અને લગ્નોના કિસ્સા ચર્ચાસ્પદ બન્યા હતા.