કેનેડા સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે ભારતીય નાગરિકોના અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો કરવા માટે પગલાં લીધાં છે.
એક મીડિયા હાઉસને આપેલા પ્રશ્નોના જવાબમાં, ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)ના પ્રવક્તાએ ઈમેલમાં જણાવ્યું હતું કે, “ભારતીય નાગરિકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારો સૌથી મોટો વર્ગ હતો, અને અમારી ઝડપી કાર્યવાહીના પરિણામે તે સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. અમને અમારી સીસ્ટમના આ દુરુપયોગની જાણ થતાં જ, અમેરિકા સાથે જોડાયેલી અમારી સરહદ પર અમે અસરકારક પગલાં લીધાં હતા. અમારા ઝડપી કાર્યવાહીના કારણે જૂન 2024થી કેનેડિયન પરમિટ/વિઝાધારકો દ્વારા અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરીમાં 84 ટકા ઘટાડો થયો છે. તેના પરિણામે અન્ય દેશોમાં 61 ટકાથી વધુ વિઝા ફગાવાયા હતા, જ્યાં અમને તેનો ખૂબ જ વધુ પ્રમાણમાં દુરુપયોગ જણાયો હતો.”
યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પેટ્રોલ દ્વારા ઉત્તરીય સરહદ પર આવી ઘટનાઓના નવા આંકડા મુજબ, ગત વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં, કુલ 27610 ઘૂસણખોરો પકડાયા હતા જેમાં 7113 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.
તાજેતરમાં, ભારતીય એન્ફોર્સમેન્ટ ડારેક્ટોરેટ (ED) દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, તેની અમદાવાદ ઓફિસના અધિકારીઓએ 10 ડિસેમ્બર અને 19 ડિસેમ્બરે મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં આઠ સ્થળોએ “સર્ચ ઓપરેશન્સ” હાથ ધર્યા હતા. જેમાં ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્ય લોકો સુનિયોજિત કાવતરું રચીને લોકોને કેનેડાથી અમેરિકા ગેરકાયદે મોકલવા માટે માનવીય હેરાફેરીનો ગુનો આચરે છે.”