ભારત સરકારે આંદામાન અને નિકોબાર ટાપુના પાટનગર પોર્ટ બ્લેરનું નામ બદલીને “શ્રી વિજયાપુરમ” કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં સંસ્થાનવાદી છાપમાંથી દેશને મુક્ત કરવાનાં વિઝનથી પ્રેરિત થઈને ‘એક્સ’ પરની એક પોસ્ટમાં ગૃહ પ્રધાને કહ્યું હતું કે, આજે અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને ‘શ્રી વિજયા પુરમ’ કરવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે, અગાઉનાં નામમાં સંસ્થાનવાદી વારસો હતો, ત્યારે શ્રી વિજયા પુરમ આપણાં સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાપ્ત વિજયનું પ્રતીક છે અને તેમાં આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની વિશિષ્ટ ભૂમિકાનું પ્રતીક છે. આપણાં સ્વાતંત્ર્ય સંગ્રામ અને ઇતિહાસમાં આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહો અપ્રતિમ સ્થાન ધરાવે છે. એક સમયે ચોલા સામ્રાજ્યના નૌકાદળના મથક તરીકે સેવા આપતો આ ટાપુ પ્રદેશ આજે આપણી વ્યૂહાત્મક અને વિકાસની આકાંક્ષાઓ માટેનો નિર્ણાયક પાયો બનવાની તૈયારીમાં છે. આ એ જ સ્થળ છે, જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝે આપણાં તિરંગાને પ્રથમ વાર લહેરાવવાનું આયોજન કર્યું હતું તથા એ સેલ્યુલર જેલ પણ હતી, જેમાં વીર સાવરકરજી અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓએ સ્વતંત્ર રાષ્ટ્ર માટે સંઘર્ષ કર્યો હતો.

LEAVE A REPLY