ભારતમાં પાસપોર્ટ અને વિઝા વગર ગેરકાયદે ઘૂસણખોરી કરનાર વિદેશી નાગરિકને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ. 5 લાખનો દંડ ફટકારાશે. આ ઉપરાંત નકલી પાસપોર્ટ અને નકલી દસ્તાવેજોની મદદથી ભારતમાં પ્રવેશનાર કે લાંબો સમય રોકાણ કરનાર વિદેશીને બેથી સાત વર્ષ સુધીની જેલ સજા થઇ શકે છે. આવા વિદેશીઓને રૂ. 1 લાખથી લઇને રૂ. 10 લાખ સુધીનો દંડ પણ ફટકારાશે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ થનારા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ-2025માં આવી જોગવાઇઓ કરવામાં આવી છે.
આ કાયદો અમલમાં આવશે ત્યારે ઇમિગ્રેશન સંબંધિત અગાઉના ચાર કાયદા નાબૂદ થશે. કારણ કે, તેમાં દેશમાં ઘૂસણખોરી કરનારા વિદેશીઓ માટે જુદા જુદા વિષયો માટે ઓછી સજા અને ઓછા દંડની જોગવાઇઓ હતી. આ નવા કાયદામાં તમામ કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટિઓને તેમને ત્યાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ લેનારા વિદેશી વિદ્યાર્થીઓની તમામ વિગતો સરકારને પૂરી પાડવા માટે જવાબદાર બનાવવામાં આવી છે.

LEAVE A REPLY